Gujarat

એસ.ટી. બસના ડ્રાઇવરે બાઇકસવારને કચડી નાખતા મોત

By GS TEAM
8 Jun 20261 min read
એસ.ટી. બસના  ડ્રાઇવરે બાઇકસવારને કચડી નાખતા મોત

વડોદરા,હરણી ગદા સર્કલ નજીક એસ.ટી.બસની ટક્કરે બાઇક ચાલક કચડાઇ જતા સ્થળ પર જ તેનું કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે બે દિવસ  પહેલા  થયેલા અકસ્માતમાં  ઘાયલ યુવકનું પણ સારવાર દરમિયાન મોત થયુું છે.

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના સાઇમા ગામે રહેતા શ્રમજીવી મહેશભાઇ મોહનભાઇ રાવળ હાલમાં સેવાસી વેદાંત વિલા સાઇમોન્ટમાં રહે છે. તેમનો નાનો પુત્ર સંજય (ઉં.વ.૨૫) ગઇકાલે બાઇક લઇને હરણી ગદા સર્કલ  પાસેથી જતો હતો. તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે  ટક્કર મારતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જે અંગે હરણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પી.એસ.આઇ. એન.એમ. પરમારે ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા અકસ્માત કરનાર વાહન એસ.ટી.બસ  હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત કરીને ભાગી ગયેલા બસની અને તેના ડ્રાઇવરની વિગતો મેળવવા માટે હરણી  પોલીસે તપાસ  હાથ ધરી છે. જ્યારે બે દિવસ પહેલા મોડીરાત્રે કરોડિયા - મધુનગર રોડ વિસ્તારમાં બે બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં ઘાયલ ધીરજ રાઠવાનું સારવાર દરમિયાન મોત થયું  છે.