Gujarat

જામનગરમાં પાવરચોરીના કેસમાં આરોપીને 440 વોલ્ટના ઝટકારૂપ રૂ.1.16 કરોડનો દંડ ફટકારતી સ્પે.કોર્ટ

By GS TEAM
14 Mar 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં ત્રણ વર્ષ પહેલા ક્રિકેટ ટુર્નામેન્ટ સ્થળે વીજ કંપનીના અધિકારી દ્વારા ચેકીંગ કરવામાં આવતા પાવરચોરી થતી હોવાનું જણાતા કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સ્પે.કોર્ટના જજ દ્વારા આરોપીને પાવરચોરીની રકમ કરતા ત્રણ ગણો એટલે કે રૂ.1 કરોડ 16 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં પાવરચોરીના કેસમાં આરોપીને 440 વોલ્ટના ઝટકારૂપ રૂ.1.16 કરોડનો દંડ ફટકારતી સ્પે.કોર્ટ

Jamnagar Court : જામનગરમાં ત્રણ વર્ષ પહેલા ક્રિકેટ ટુર્નામેન્ટ સ્થળે વીજ કંપનીના અધિકારી દ્વારા ચેકીંગ કરવામાં આવતા પાવરચોરી થતી હોવાનું જણાતા કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સ્પે.કોર્ટના જજ દ્વારા આરોપીને પાવરચોરીની રકમ કરતા ત્રણ ગણો એટલે કે રૂ.1 કરોડ 16 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગત તા.13/04/2023 ના વીજ કંપનીના ચેકીંગ અધિકારી ડી.જી.સોનગરા અને તેના સ્ટાફ દ્વારા પટેલ કોલોની સબ ડીવીઝન હેઠળ આવતાં બેડી મરીન પો.સ્ટે.ના વિન્ડમીલના કાર્યાલય પાછળના મેદાનમાં રમાદાન કરીમ રમઝાન સ્પે. ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી હતી. તેમાં આરોપી સુલેમાન ઉમર ઈબ્રાહીમ દલની હાજરીમાં વીજકનેકશન ચેક કરતાં તેઓ ગ્રાહક ન હોવા છતાં કોમર્શિયલ હેતુસર ડાયરેકટ વીજ વપરાશ મેળવી અને ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડતા બીનઅધિકૃત રીતે પાવરચોરી કરતાં રંગે હાથે પકડાય ગયા હતા. જેથી ચેકીંગ અધિકારી દ્વારા સ્થળ પર ચેકીંગશીટ, સ્થળ રોજકામ અને એનેક્ષર-4 તૈયાર કરવામાં આવ્યું હતું. અને ચેકીંગ અધિકારી ધ્વારા સ્થળ પર પોતાના મોબાઈલમાંથી ફોટોગ્રાફ પણ લેવામાં આવ્યા  હતા.

 ત્યાર પછી ફરીયાદી સંદિપ ધીરજલાલ પરમાર કે જેઓ પટેલ કોલોની સબ ડીવીઝનમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા તેઓએ આ કામના આરોપી સુલેમાન ઉમર ઈબ્રાહીમ દલ વિરૂધ્ધ જીયુવીએનએલ પો.સ્ટે.માં રૂા.38,72,252 અને 93 પૈસાની વિજચોરી અંગે ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટની કલમ-135 મુજબની ફરીયાદ દાખલ કરી હતી.

 આ કેસ સ્પે. કોર્ટમાં કેસ ચાલવા ઉપર આવતા સરકાર દ્વારા કુલ 8 સાક્ષી અને 17 દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવેલ હતા. અને સરકાર તરફે સરકારી વકીલ  એવી દલીલ કરેલ કે આરોપીની હાજરીમાં વીજ ચેકીંગ કરવામાં આવેલ છે. સ્થળ ઉપરની ફોટોગ્રાફી રેકર્ડ પર છે. અને હાલ ગુજરાતમાં પાવરચોરીના કેસ વધતા જાય છે. જેથી આવા કેસો અટકે માટે આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી જોઈએ એવી ભારપૂર્વક દલીલ કરતાં સરકારી વકીલની દલીલો ધ્યાને લઈ સ્પે.જજ વી.પી.અગ્રવાલ દ્વારા આરોપી સુલેમાન ઉમર ઈબ્રાહીમ દલને રૂા.1.16 કરોડ એટલે કે પાવરચોરીની રકમ કરતા ત્રણ ગણો દંડ ફટકારેલ છે. અને જો આરોપી દ્વારા 30 દિવસમાં દંડની રકમ જમા ન કરાવે તો તેને એક વર્ષની સજા ભોગવવાનો હુકમ કરેલ છે.