વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં નવી શિક્ષણ નીતિના ભાગરુપે પહેલી વખત વિદ્યાર્થીઓને સ્પેસ ટેકનોલોજીનો વિષય ભણાવવાનું શરુ કરાયું છે.એન્જિનિયરિંગના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ પહેલા સેમેસ્ટરમાં ઈલેક્ટિવ વિષય તરીકે વિદ્યાર્થીઓને સ્પેસ ટેકનોલોજીનો વિષય ઓફર કરવામાં આવ્યો છે.
આ વિષય માટે કોર્સ ડિઝાઈન કરનાર એપ્લાઈડ ફિઝિક્સ વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.યશેષ ગાંધી કહે છે કે, કોર્સ માટે અમને અમદાવાદ ઈસરોએ અને ખાસ કરીને તેના ડાયરેકટર ડો.નિલેશ દેસાઈએ મદદ કરી છે.સમયની માગ છે કે, અમે વિદ્યાર્થીઓને સ્પેસ ટેકનોલોજી અંગે પણ ભણાવીએ.કારણકે તે પણ એન્જિનિયરિંગનો જ એક ભાગ છે.એક સેમેસ્ટરના કોર્સમાં ભારતના સ્પેસ પ્રોગ્રામનો ઈતિહાસ, રોકેટ પ્રપલ્સન અને ઓર્બિટલ ડાયનેમિકસ, દુનિયામાં વ્યાપક બની રહેલા સ્પેસ બિઝનેસ, ફ્લાઈટ ઓપરેશન એન્ડ કોમ્યુનિકેશન, સ્પેસ ટેકનોલોજીમાં વપરાતી સ્પેક્ટ્રોસ્કોપી ટેકનિક જેવા વિવિધ પાસાઓનો સમાવેશ કરાયો છે.ડો.ગાંધીના કહેવા પ્રમાણે આ વિષય લેનારા વિદ્યાર્થીઓને અમદાવાદ, ઈસરોની મુલાકાતનો મોકો પણ મળે છે.બીઈ એન્જિનિયરિંગની સાથે સાથે એપ્લાઈડ ફિઝિક્સના એમએસસી કોર્સમાં પણ સ્પેસ ટેકનોલોજી વિષયને વધારે ઉંડાણપૂર્વક વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે.આ કોર્સમાં હવામાનની આગાહી માટે, કૃષિ માટે તથા ધરતીના પેટાળમાં રહેલા ખનીજોને શોદવા માટે સ્પેસ ટેકનોલોજીના ઉપયોગની સાથે સાથે લેસર ગાઈડન્સ ટેકનોલોજીનું શિક્ષણ અપાય છે.
નેનો ટેકનોલોજી વિષયનો વિકલ્પ પણ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ
બીઈના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ઈલેક્ટિવ વિષય તરીકે નેનો ટેકનોલોજી પણ ઓફર કરવામાં આવે છે.આ કોર્સમાં નેનો મટિરિયલ, નેનો લિથિઓગ્રાફી, સિન્થેસિસ ઓફ નેનો મટિરિયલ, એપ્લિકેશન એન્ડ કેરેકટરાઈઝેશન ઓફ નેનો મટિરિયલ તથા નોવેલ નેનો મટિરિયલ જેવા પાસાઓનો સમાવેશ કરવામાં આવે છે.નેનો ટેકનોલોજીનો ડિપ્લોમા કોર્સ તો એપ્લાઈડ ફિઝિક્સ વિભાગમાં ચલાવાય જ છે પણ બીઈના વિદ્યાર્થીઓને આ વિષય ભણવાનો મોકો પહેલી વખત મળ્યો છે.


