Get The App

મોરબીની ઘટનાના વિરોધમાં મહુવામાં સોની બજાર સજજડ બંધ રહી

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
મોરબીની ઘટનાના વિરોધમાં મહુવામાં સોની બજાર સજજડ બંધ રહી 1 - image

- વિવિધ 4 મંડળોએ કલેકટરને આવેદન પાઠવ્યું

- ભાવનગર શહેરના 6 પૈકી 3 વેપારી મંડળો ગુરૂવારે બપોર બાદ અડધો દિવસ બંધ પાળશે

ભાવનગર : મોરબીના સોની યુવાનની હત્યાના બનાવના વિરોધમાં મહુવામાં સોમવારે સોની વેપારીઓએ સંપૂર્ણપણે જડબેસલાક બંધ પાળ્યો હતો આ સાથે મહુવા શરાફ બજાર સોની એસો. ઉપરાંત ભાવનગર શહેરના ત્રણ જવેલર્સ એસો. દ્વારા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાયુ હતુ. જયારે આગામી તા.૨૬-૨ ને ગુરૂવારે ભાવનગરના છ પૈકીના ત્રણ વેપારી મંડળો દ્વારા બપોર બાદ બંધ પાળવામાં આવશે. 

ગત તા.૧૯ ફેબુ્રઆરીના રોજ મોરબીના સોની યુવાનના ઘેર વાસ્તુનો પ્રસંગ હોવાથી રાજકોટ બહેનને તેડીને પરત આવી રહ્યા હતા. ત્યારે ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા બે શખ્સે છરીના ઘા ઝીંકી હત્યા કરતા તેના ગુજરાતભરના સોની વેપારીઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. રાજયમાં ઠેર ઠેર વેપારી મંડળો દ્વારા ધંધા રોજગાર બંધ રાખી હત્યારાને ઝડપી કડક સજા આપવાની માંગ કરાઈ રહી છે. મોરબીની ઘટનાના વિરોધમાં ભાવનગર શહેરના પીરછલ્લા શેરી, વોરાબજાર અને ભગાતળાવના સોની વેપારીઓ દ્વારા આગામી તા. ૧૯ ફેબુ્રઆરીને ગુરૂવારે બપોરે ૨ થી અડધો દિવસ સંપૂર્ણપણે દુકાનો બંધ રાખવામાં આવશે.આજે પીરછલ્લા શેરી ચોકસી મંડળના પ્રમુખ કિરીટભાઈ ધાંગધ્રીયા (વરતેજવાળા)ની આગેવાની તળે વોરા બજાર ચોકસી મંડળ અને ભાદેવાની શેરી જવેલર્સ એસોસીએશનના વર્તમાન અને ભુતપુર્વ પદાધિકારીઓ અને સભ્યોના પ્રતિનિધિમંડળ દ્વારા ભાવનગરમાં કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ હતુ. દરમિયાન મહુવા શરાફ બજાર સોની એસો.ના પ્રમુખ ચેતનભાઈ કે.સાગરએ આક્રોશભેર જણાવ્યુ હતુ કે, મહુવામાં ૨૦૦ થી વધુ સોની વેપારીઓએ સોમવારે સજજડ બંધ પાળીને મોરબીની ઘટનાનો સખ્ત વિરોધ દર્શાવ્યો હતો.