Gujarat

ઘરમાં છરી સાથે ખેલ કરતા દારૂડિયા પિતાને ખુદ પુત્રએ જ પતાવી દીધો

By GS TEAM
21 Nov 20252 mins read
ઘરમાં છરી સાથે ખેલ કરતા દારૂડિયા પિતાને ખુદ પુત્રએ જ પતાવી દીધો

રાજકોટનાં હુડકો ક્વાર્ટરની ઘટના

મૃતકની પત્નીનું નામ પણ આરોપી તરીકે નોંધાયું હતું, પરંતુ પુરાવા નહીં મળતાં પોલીસે ધરપકડ કરવાનું ટાળ્યું

રાજકોટ: જસદણ નજીકનાં આટકોટમાં નશેડી પુત્રની પિતાએ હત્યા કર્યાની ઘટના બાદ રાજકોટમાં દારૂડીયા શખ્સ નરેશભાઈ વ્યાસને તેના પુત્રએ પતાવી દીધાની ઘટના બહાર આવી છે. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તેના આરોપી પુત્ર હર્ષ (ઉ.વ.૨૨)ની ધરપકડ કરી હતી. 

પોલીસ તપાસમાં બહાર આવ્યા મુજબ કોઠારીયા રોડ પરનાં હુડકો કવાર્ટર નંબર ડી-૬૯માં રહેતા નરેશભાઈ નટવરલાલ વ્યાસ (ઉ.વ.૫૬) મોજા, કટલેરીની ફેરી કરતા હતાં. તેને સંતાનમાં બે પુત્ર હર્ષ (ઉ.વ.૨૨) અને પાર્થ (ઉ.વ.૨૦) છે. નરેશભાઈને છેલ્લા ઘણા સમયથી દારૂ પીવાની કુટેવ હતી. જેને કારણે કામધંધો પણ સરખી રીતે કરતા નહીં. બન્ને પુત્રો પણ કોઈ કામધંધો કરતા નહી. આ સ્થિતિમાં તેની પત્ની સ્મિતાબેન ઈમિટેશન વગેરેનું નાનુ મોટું કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતાં. 

નિત્યક્રમ મુજબ ગઈકાલે સાંજે પણ નરેશભાઈ દારૂ ઢીચી ઘરે આવ્યા હતાં. આ વખતે છરી પણ સાથે લઈ આવ્યા હતાં. નશાને કારણે ભાન ભૂલી જતાં પરિવારનાં સભ્યો સામે છરી ઉગામી ડરાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેના પત્ની સ્મિતાબેનને અંગુઠા પાસે છરી વાગી ગઈ હતી, જેને કારણે તેને લોહી નીકળવા લાગ્યું હતું. આ દ્રશ્ય પુત્ર હર્ષથી સહન નહી થતા તેણે પિતા નરેશભાઈ પાસેથી છરી આંચકી લઈ તેના બે ઘા છાતીમાં અને ડાબા હાથમાં ઝીંકી દેતા ત્યાં તરફડીયા મારી દમ તોડી દીધો હતો. જાણ થતાં ભક્તિનગર પોલીસ ઉપરાંત એસીપી, ડીસીપી સહિતનાં અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતાં.

પ્રાથમિક તપાસનાં અંતે પોલીસે હત્યાનો ભોગ બનનારના બહેન વર્ષાબેન પંડયા (ઉ.વ.૫૫, રહે, દ્વારકેશ સોસાયટી, રેલનગર)ની ફરિયાદ પરથી તેની ભાભી સ્મિતાબેન અને ભત્રીજા હર્ષ સામે ખુનનો ગુનો નોંધ્યો હતો. પોલીસને સ્મિતાબેનની પણ સંડોવણી હોવાની માહિતી મળતા તેના વિરૂધ્ધ પણ ગુનો નોંધ્યો હતો, પરંતુ દિવસભરની તપાસનાં અંતે તેના વિરૂધ્ધના કોઈ પુરાવા નહી મળતા પોલીસે અટકાયત કરી ન હતી. હાલ માત્ર હર્ષની અટકાયત કરી પોલીસે તપાસ જારી રાખી છે. જો આગળ જતા સ્મિતાબેન વિરૂધ્ધના પુરાવા મળશે તો તેની પણ અટકાયત કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. 

- ભાઈની હત્યામાં ફરિયાદી બનવાનો બહેને ઈન્કાર કર્યો 

રાજકોટ: નરેશભાઈની હત્યા થયા બાદ કોને ફરીયાદી બનાવવા તેવો સવાલ ઉઠયો હતો. તપાસનાં અંતે પોલીસે રેલનગરમાં રહેતી તેની બહેન વર્ષાબેનને ફરીયાદી બનાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેણે ફરીયાદી બનવાનો સ્પષ્ટ ઈન્કાર કરી કહી દીધું હતું કે, તેને ભાઈ સાથે કોઈ સંબંધ ન હતાં. આ સ્થિતિમાં પોલીસ મુંઝવણમાં મુકાઈ ગઈ હતી. એક તબક્કે પોલીસે પોતે સરકાર તરફે ફરીયાદી બનવાનું નક્કી કર્યું હતું. આખરે વર્ષાબેન સમજાવટના અંતે માની જતા તેને જ ફરીયાદી બનાવ્યા હતાં. તેના પતિ રમેશભાઈ જીલ્લા પંચાયતના નિવૃત્ત કર્મચારી છે.