Get The App

સાવધાન! સોમનાથ મંદિરમાં VIP દર્શનના નામે ઓનલાઈન ઠગાઈ, ટ્રસ્ટે ભક્તો માટે જાહેર કરી ખાસ ચેતવણી

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
સાવધાન! સોમનાથ મંદિરમાં VIP દર્શનના નામે ઓનલાઈન ઠગાઈ, ટ્રસ્ટે ભક્તો માટે જાહેર કરી ખાસ ચેતવણી 1 - image
Image Wikipedia

Somnath Temple VIP Darshan Scam: દેશભરના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ કેન્દ્ર એવું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર હવે ડિજિટલ યુગમાં ઓનલાઈન ઠગોના નિશાને આવ્યું છે. સોમનાથ દર્શન માટે આવતા ભોળા યાત્રાળુઓને VIP દર્શન અથવા સ્પેશિયલ એન્ટ્રી અપાવવાના બહાને સોશિયલ મીડિયા અને નકલી વેબસાઈટો મારફતે છેતરપિંડી આચરવામાં આવી રહી હોવાના કિસ્સા સામે આવ્યા છે. જેને પગલે શ્રી સોમનાથ ટ્રસ્ટે ભક્તોને ભારે સાવચેતી રાખવા અને સતર્ક રહેવા માટે ખાસ અપીલ કરી છે.

મંદિરમાં VIP દર્શનની કોઈ પ્રથા નથી, ટ્રસ્ટની સ્પષ્ટતા

શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સત્તાવાર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, સોમનાથ મંદિરમાં કોઈ VIP દર્શન, સ્પેશિયલ દર્શન કે પૈસા લઈને વિશેષ પ્રવેશ આપવાની કોઈ જ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. સોમનાથ મંદિરમાં આવતા તમામ ભક્તો માટે દર્શનની એકસમાન અને સુદ્રઢ વ્યવસ્થા છે. કોઈપણ વ્યક્તિ, એજન્ટ કે થર્ડ પાર્ટી વેબસાઈટ દ્વારા VIP પાસ અથવા સ્પેશિયલ ટિકિટના નામે રૂપિયા વસૂલવામાં આવતા હોય તો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર, નકલી અને ભ્રામક છે.

ઓનલાઈન ઠગ કઈ રીતે શ્રદ્ધાળુઓને ફસાવે છે?

ટ્રસ્ટના આઈટી (IT) અને સિક્યોરિટી વિભાગના ધ્યાનમાં આવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ફ્રોડ તત્વો ઓનલાઈન સર્ચ પ્લેટફોર્મ અને ડિજિટલ માધ્યમોનો દુરુપયોગ કરી રહ્યા છે. તેઓ ભક્તોને શિકાર બનાવવા મુખ્યત્વે ઓનલાઈન સર્ચ એન્જિન પર નકલી લિંક્સ અને પેઇડ જાહેરાતો મૂકીને VIP ટિકિટ ઉપલબ્ધ હોવાનો ભ્રામક દાવો કરે છે.  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સ્પેશિયલ એન્ટ્રીના નામે ભ્રામક અને અસત્ય માહિતી પ્રસારિત કરે છે. કેટલાક કિસ્સાઓમાં ભક્તોને સીધા ફોન કરીને અથવા ઓનલાઈન પેમેન્ટ લિંક મોકલીને તાત્કાલિક રૂપિયા ટ્રાન્સફર કરાવવાના પ્રયાસો પણ કર્યાનું ધ્યાને આવ્યું છે. 

સાવધાન! સોમનાથ મંદિરમાં VIP દર્શનના નામે ઓનલાઈન ઠગાઈ, ટ્રસ્ટે ભક્તો માટે જાહેર કરી ખાસ ચેતવણી 2 - image

બુકિંગ માટે માત્ર આ જ સત્તાવાર વેબસાઈટનો ઉપયોગ કરો

શ્રી સોમનાથ ટ્રસ્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે ભક્તોએ કોઈ પણ પૂજા વિધિ, રૂમ બુકિંગ કે પ્રસાદ માટે માત્ર અને માત્ર ટ્રસ્ટના સત્તાવાર ડિજિટલ પ્લેટફોર્મનો જ ઉપયોગ કરવો. 

ઓફિશિયલ વેબસાઈટ: https://somnath.org/

ભક્તોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, એકમાત્ર સત્તાવાર વેબસાઈટ સિવાય અન્ય કોઈ પણ અજાણી વેબસાઈટ, સોશિયલ મીડિયા પેજ, મોબાઈલ એપ કે એજન્ટ દ્વારા અપાતી લોભામણી ઓફરો પર જરાય વિશ્વાસ ન કરવો.

છેતરપિંડી કરનારાઓ સામે ટ્રસ્ટ એક્શન મોડમાં

આ પ્રકારની સાયબર ક્રાઈમની પ્રવૃત્તિઓને રોકવા માટે સોમનાથ ટ્રસ્ટ કડક કાયદાકીય પગલાં લઈ રહ્યું છે. ટ્રસ્ટની આઈટી ટીમ આવા ઓનલાઈન ફ્રોડ અને નકલી લિંક્સ પર સતત ડિજિટલ વોચ રાખી રહી છે. ગેરમાર્ગે દોરતી તમામ ઓનલાઈન માહિતી અને ભ્રામક નકલી વેબસાઈટ્સને ઈન્ટરનેટ પરથી હટાવવા માટે ગૂગલ (Google) ને સત્તાવાર રીતે રિપોર્ટ કરવામાં આવ્યો છે. આ સમગ્ર રેકેટ અને કથિત ઠગાઈમાં સંડોવાયેલા અજાણ્યા તત્વો સામે કાયદેસરની પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

ભક્તોને અપીલ

જો કોઈ વ્યક્તિ સોમનાથ મંદિરમાં VIP દર્શન કે સ્પેશિયલ પાસના નામે નાણાંની માંગણી કરે, તો તુરંત જ સાવચેત થઈ સંબંધિત પોલીસ તંત્ર અથવા સોમનાથ ટ્રસ્ટના સત્તાવાર હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી જાણ કરો, જેથી ડિજિટલ ઠગાઈનો ભોગ બનવાથી બચી શકાય.