Get The App

ડ્રગ્સ માફિયાનો ગાઈડ બનેલો એસઓજીનો એએસઆઇ લક્ષ્મી ચાર દિવસના રિમાન્ડ પર

એએસઆઇ ડ્રગ્ઝ નેટવર્કમાં ભાગીદાર છે કે કેમ તેમજ તેની મિલકતોની પણ તપાસ થશે

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
ડ્રગ્સ માફિયાનો ગાઈડ બનેલો એસઓજીનો એએસઆઇ લક્ષ્મી ચાર દિવસના રિમાન્ડ પર 1 - image

વડોદરા : વડોદરામાં ખાખીને દાગ લગાડતી ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધરપકડ કરાયેલા એસઓજીના એ.એસ.આઈ. લક્ષ્મીકાંત દેસાઈને આજે અદાલતમાં રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના રિમાન્ડની માંગણી કરતા જ્યુ.મેજિ.એ આરોપીના તા. ૫મી ફેબુ્રઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

કેસની વિગત એવી છે કે, એસએમસીની ટીમે તા. ૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ૧ પરથી અમરીકસિંઘ ઉર્ફે સોનુ નામના શખ્સને રૃા.૪૭.૯૮ લાખની કિંમતના ૨૩૯ ગ્રામ ૯૪૦ મિલીગ્રામ હેરોઈન સાથે ઝડપી લીધો હતો. આ ડ્રગ્સનો જથ્થો તે રાજસ્થાનના નિશાંતસિંઘ નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાનું ખુલ્યું હતું.

તપાસ દરમિયાન ડ્રગ પેડલર અમરીકસિંઘની પૂછપરછમાં એવો ધડાકો થયો હતો કે વડોદરા એસ.ઓ.જી.નો જવાન લક્ષ્મીકાંત દેસાઈ તેને ડ્રગ્સના વેચાણમાં ક્યારે અને શું ધ્યાન રાખવું તેનું માર્ગદર્શન આપતો હતો.આજ ેઆરોપીના રિમાન્ડની માંગણી કરતી અરજીમાં તપાસ અધિકારીે રજૂઆત કરી હતી કે, આરોપી પોતે આ ડ્રગ્સ નેટવર્કમાં ભાગીદાર છે કે કેમ, તે જાણવા માટે તેની હાજરી અનિવાર્ય છે. ઉપરાંત, પકડવાના બાકી આરોપી નિશાંતસિંઘ વિશેની કડીઓ મેળવવા અને અગાઉ વડોદરામાં કેટલી વખત ડ્રગ્સ વેચાયું છે તેની તપાસ કરવાની બાકી છે.

રિમાન્ડ માટેના અન્ય કારણોમાં પોલીસે જણાવ્યું છે કે, આરોપી પાસેથી ત્રણ મોબાઈલ કબજે કરાયા છે. આરોપીએ ડ્રગ્સના વેચાણમાં મદદગારી કરી તેના બદલામાં કોઈ આથક ફાયદો મેળવી સ્થાવર કે જંગમ મિલકત વસાવી છે કે કેમ તેની તપાસ કરવાની છે. નાણાકીય લેવડ-દેવડ બેંક મારફતે કે આંગડિયા પેઢી દ્વારા કરવામાં આવી છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે. આરોપી પોલીસમાં હોવાથી તપાસમાં સહકાર આપી રહ્યો નથી અને ઉડાઉ જવાબ આપી રહ્યો હોવાથી તેની સઘન પૂછપરછ માટે કસ્ટડી જરૃરી છે.

અધિકારીએ રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે, આરોપીએ પુરાવાનો નાશ કરવા વોટ્સએપ ચેટ અને કોલ લોગ ડિલીટ કર્યા છે. આ ગુનામાં અન્ય કોઈ ઉચ્ચ પોલીસ અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે કેમ તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવાની બાકી છે. આરોપીના સવસ રેકોર્ડ મુજબ અગાઉ તેની ગાંધીધામ બદલી થઈ હતી, જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિના કારણે હતી કે કેમ તે અંગે પણ પોલીસ વિગતો એકત્ર કરી રહી છે.

લક્ષ્મીની ચાલાકી ન ચાલી : ડમી સિમકાર્ડ અને બાતમીદારનું બહાનુ

પોલીસની તપાસમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે એ.એસ.આઈ. લક્ષ્મીકાંત દેસાઈ ડ્રગ પેડલર સાથે વાત કરવા માટે પોતાના નામના બદલે સાગરના નામે મેળવેલા ડમી સિમકાર્ડનો ઉપયોગ કરતો હતો. આ કાર્ડ મેળવવા માટે કોઈ ખોટા દસ્તાવેજોનો ઉપયોગ થયો છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. બીજી તરફ, આરોપી એવો બચાવ કરી રહ્યો છે કે તે અમરીકસિંઘ પાસેથી બાતમી મેળવવા સંપર્કમાં હતો. જોકે, પોલીસે કોર્ટમાં જણાવ્યું છે કે આરોપીએ ક્યારે કેટલી બાતમી મેળવી અને તેના આધારે કેટલા કેસ કર્યા તેની કોઈ ચોક્કસ હકીકત તે જણાવી શક્યો નથી. આમ, બાતમીદારના ઓઠા હેઠળ તે ડ્રગ્સના કાળા કારોબારમાં સક્રિય ભૂમિકા ભજવતો હોવાની શંકા દ્રઢ બની છે.