Gujarat

ભરૂચ નગરપાલિકામાં ધૂળ ખાતી લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સનો વ્યવસ્થિત ઉપયોગ જરૂરી

By GS Team
4 Dec 20212 mins read
This article was originally published on 4 Dec 2021
ભરૂચ નગરપાલિકામાં ધૂળ ખાતી લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સનો વ્યવસ્થિત ઉપયોગ જરૂરી

ભરૂચ: લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સનો ઉપયોગ ભરૂચ નગરના લોકો અને દર્દીઓને મળી રહે તે અત્યંત જરૂરી છે. આવી મહત્વની બાબત અંગે સામાજિક કાર્યકર દિનેશ અડવાણીએ નગરપાલિકા તત્રને લેખિતમાં જણાવ્યું છે.

ભરૂચ નગરને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લાઈફ સ્પોર્ટ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવેલ છે , જે એમ્બ્યુલન્સ હાલ ભરૂચ નગરપાલિકા પાસે છે. આ એમ્બ્યુલન્સમાં યોગ્ય પેરામેડિકલ સ્ટાફ કે જે એમ્બ્યુલન્સમાં ખાસ રાખવામાં આવેલ યંત્રોનો સારી રીતે ઉપયોગ કરી શકે તેમની ભરતી કરી એમ્બ્યુલન્સને સાચા અર્થમાં ' લોકાર્પણ " કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. ભરતી કરવાથી લોકોને રોજગારીની તક મળી રહેશે. આમ કરવાથી ભરૂચ જીલ્લાની જનતા ઓછા દરે દર્દીઓને સ્થળાંતર કરી શકશે. જેથી દર્દીઓનાં સગાઓ ઉપર આર્થિક ભારણ ઓછુ પડે. 

 

આ એમ્બ્યુલન્સ ભરૂચના શહેરી વિસ્તારમાં આવેલા દવાખાનાઓ સુધી દર્દીઓને લાવવા લઈ જવાનો ઉપયોગ થાય છે, પરંતુ લાઈફ - સપોર્ટ જેવી એમ્બ્યુલન્સનો ઉપયોગ ભરૂચ અને જિલ્લાની બહાર આવેલ મેડિકલ સુવિધાઓવાળી વડોદરા, અમદાવાદ કે અન્ય જીલ્લાઓમાં આવેલ હોસ્પિટલોમાં કે સમગ્ર ગુજરાતમાં દર્દીને શિફ્ટ કરવા પણ ફાળવવામાં આવે તો તે વધુ ઉપયોગી સાબિત થાય તેમ છે . જેથી આ એમ્બ્યુલન્સનો આર્થિક રીતે નબળા લોકો સત્વરે સાચો અને યથાર્થ ઉપયોગ અને યોગ્ય સ્ટાફ સાથે ભરૂચના લોકોના હિતાર્થે કાર્યરત કરવામાં આવે તેવી માંગણી દિનેશભાઈ અડવાણી દ્વારા થઈ છે.

ઉલ્લેખનીય છે કે, જુલાઈ માસમાં એમ્બ્યુલન્સ ભરૂચ નગર પાલિકાને સુપ્રત કરાઈ હતી. પરંતુ લાખો રૂપિયાની આ એમ્બ્યુલન્સનો અત્યાર સુધી એક પણ દિવસ ઉપયોગ કરાયો નથી. આ ધુળ ખાતી એમ્બ્યુલન્સનો જો વ્યવસ્થિત ઉપયોગ થઈ શકે તો કેટલાય લોકોનો જીવ બચી શકે.