Gujarat

૧૭ વર્ષની કિશોરીને મોબાઇલ વળગણ સોશિયલ મીડિયાની વ્યસની પુત્રીને સમજાવી તો પિતા પર હુમલો કર્યો

By GS TEAM
5 Nov 20251 min read
૧૭ વર્ષની કિશોરીને મોબાઇલ વળગણ  સોશિયલ મીડિયાની વ્યસની પુત્રીને સમજાવી તો પિતા પર હુમલો કર્યો

વડોદરા, તા.5 ફર્નિચરના વેપારીની ૧૭ વર્ષની પુત્રીને સોશિયલ મીડિયાનું વળગણ એટલું બધુ લાગ્યું કે આ અંગે પિતાએ જ્યારે ટોકી તો પિતા પર હુમલો કરતા પણ સહેજ તે અચકાઇ ન હતી.

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા નજીકના વિસ્તારમાં એક કુંટુંબમાં ચાર સભ્યો રહે છે. માતા સવારે નોકરી પર જતી રહે છે જ્યારે પિતા ફર્નિચરનું કામ કરતા હોવાથી તેઓ પણ કામ માટે બહાર જતા હોય છે જ્યારે નાનો પુત્ર અભ્યાસ માટે સ્કૂલ તેમજ ટયૂશનમાં જતો હોવાથી આ ઘરમાં રહેતી ૧૭ વર્ષની કિશોરીને મોબાઇલ પર સોશિયલ મીડિયાનું વ્યસન થઇ ગયું હતું.

મહત્તમ સમય મોબાઇલ પર જ પસાર કરતી પુત્રીને પિતાએ સમજાવવાની કોશિષ કરી તો પિતા પર પુત્રી ગુસ્સે થઇ ગઇ હતી અને વાસણ ઊંચકીને માર માર્યો  હતો. આ ઉપરાંત માતા કે અન્ય કોઇ તેને કહે તો મોટા અવાજે ઝઘડો કરતી હતી અને ગુસ્સો કરી ઘર છોડી જવાની ધમકી આપતી હતી. પુત્રીના સોશિયલ મીડિયાના કારણે બદલાયેલા વર્તનના કારણે આખરે પિતાએ ૧૮૧ અભયમની મદદ લેતા ટીમે કિશોરીનું કાઉન્સેલિંગ કરી તેને સમજાવી હતી.