Gujarat

બાપુનગરમાં એમડી ડ્રગ્સ સાથે યુવક અને યુવતીને ઝડપી લેવાયા

By GS TEAM
12 Mar 20262 mins read
બાપુનગરમાં એમડી ડ્રગ્સ સાથે યુવક અને યુવતીને ઝડપી લેવાયા

અમદાવાદ, ગુરૂવાર

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બાપુનગરમાં એક યુવક અને યુવતીને ૨૦૦ ગ્રામ એમ ડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને લીવ ઇનમાં રહેતા હતા અને અગાઉ ગત જાન્યુઆરી મહિનામાં સ્પેશીયલ ઓપરેશન ગુ્રપ દ્વારા  પણ એમ ડી ડ્રગ્સ સાથે ઝડપાઇ ચુક્યા હતા. આ અંગે એસએમસીએ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના સરસપુરમાં આવેલી પટેલની ચાલીમાં રહેતો દિપક વાઘેલા અને તેની સાથે રહેતી યુવતી એમ ડી ડ્રગ્સનો કારોબાર કરતી હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને મળી હતી. જેના આધારે બુધવારે રાતના સમયે    બાપુનગર સોનેરિયા બ્લોક પાસે વોચ ગોઠવીને બાઇક પર જતા દિપક અને  રૂબીના મીરઝા નામની યુવતીને ઝડપી તપાસ કરતા તેમની પાસેથી ૨૦૦ ગ્રામ એમ ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમણે મોઇનલાલ નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ ખરીદી કર્યુ હતું અને ગ્રાહકને આપવા માટે જતા હતા.

પોલીસે વધુ પુછપરછમાં કરતા ચોંકાવનારી વિગતો મળી હતી કે બંને જણાએ અગાઉ ૩૧મી ડિસેમ્બર માટે ડિસેમ્બર ૨૦૨૫માં પણ એમડી ડ્રગ્સ મંગાવ્યું હતું.  ત્યારે એસઓજીએ દરોડો પાડીને કાર્યવાહી કરી હતી. જેલમાંથી છુટયા બાદ તેણે ફરીથી એમડી ડ્ગ્સનો કારોબાર શરૂ કરવા મોઇનલાલ પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું. દિપક અને રૂબિના લીવ ઇનમાં રહેતા હતા અને બંને છેલ્લાં ઘણા વર્ષોથી ટ્રાવેલ્સના બિઝનેસની સાથે ડ્રગ્સનો કારોબાર કરતા હતા.