Get The App

સેલવાસના ડોલારામાં નાનાભાઇની હત્યા કેસમાં મોટાભાઇને આજીવન કેદ

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
સેલવાસના ડોલારામાં નાનાભાઇની હત્યા કેસમાં મોટાભાઇને આજીવન કેદ 1 - image

Silvassa Court : દા.ન.હવેલીના ખાનવેલ નજીકના ડોલરા ગામે ફણસપાડામાં વર્ષ 2022માં નશાધુત મોટાભાઇએ નાનાભાઇની હત્યાના ગુનામાં કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. આરોપીને આજીવન કેદની સજા અને રૂ.25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કેસની વિગત એવી છે કે દા.ન.હવેલીના ખાનવેલ નજીકના ડોલારા ગામે ફણસપાડામાં રહેતા નસરુ નવશેભાઇ ફરેલ ગત તા.24-12-22ના રોજ મહેમાન આવ્યા હોવાથી ઘરની બહાર ખુરશી પર બેઠા હતા. તે વેળા નશાધુત મોટાભાઇ સદુ ફરલે ધસી જઇ રસ્તામાં ખુરશી કે મુકી ? એમ કહી ગાળાગાળી કરી હતી. બાદમાં ઉશ્કેરાઈ જઇ સદુ ફરલેએ કુહાળી વડે ખુરશી પર ઘા ઝીકી તોડી નાંખી હતી. ભાઇ નસરુ કહેવા જતા તેના પર પણ કુહાળી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જો કે નસરુ ફરલેનું મોત થયું હતું.

મૃતકના પિતા નવસે સોમાભાઇ ફરલેની ફરિયાદના આધારે ખાનવેલ પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ ચાર્જશીટ પણ રજૂ કરી દીધી હતી. સેલવાસ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારી વકીલ નિપૂણા એમ.રાઠોડે મૃતકના પરિવારજનો સહિત અનેક લોકોની જુબાની, પી.એમ. રિપોર્ટ સહિતના સજ્જડ પુરાવા સાથે ધારદાર દલીલો કરી હતી. કોર્ટના જજ વિભા પી.ઇગલે એ આરોપી સદુ ફરેલને આજીવન કેદની સજા અને રૂ.25 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે.