શિનોર .શિનોરના શખ્સને હની ટ્રેપમાં ફસાવી આરોપીઓએ ૭૫.૭૫ લાખ પડાવી લીધા હતા. આ ગુનાની મુખ્ય મહિલાને પોલીસે ઝડપી પાડી હતી. ગુનાની વધુ વિગતો મેળવવા તથા રૃપિયા રિકવર કરવા માટે પોલીસે બે આરોપીને કોર્ટમાં રજૂ કરી ૮ દિવસની રિમાન્ડ મેળવ્યા છે.
શિનોર પોલીસ મથકે ગત છઠ્ઠી ફેબુ્રઆરીએ શિનોરના ખેડૂતે ૯ આરોપીઓ સામે રૃપિયા ૭૫,૭૫,૫૫૦ બ્લેકમેલિંગ કરી લઈ ગયા હોવાની ફરિયાદ કરી હતી. પોલીસે આ કેસમાંં અત્યાર સુધી કુલ ૧૦ આરોપીઓ ઝડપી પાડીને આશરે રૃપિયા ૨૯ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. મુખ્ય આરોપી મનીષા ઉર્ફે શાંતા ભુરા વસાવા અને આશિકનો ભાઈ અહેમદ પઠાણ ગઇકાલે ઝડપાયા પછી તેઓને શિનોર કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડની માગણી કરતા કોર્ટે ૮ દિવસના એટલેકે આગામી તા.૨૨ મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. શિનોરના અનવર ટેલરે મનીષાનો ફોન નંબર ફરિયાદીને આપ્યો હતો. મનીષાએ ફરિયાદીને જાળમાં ફસાવેલ અને પછી મળતીયાઓ દ્વારા અલગ - અલગ સ્થળે બોલાવી મુલાકાત કરી હતી. ફરિયાદીને કેસ કરી ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. આરોપીઓએ ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળો બોલી ધમકાવ્યો હતો. તેમજ માલસર માંડવા રોડની બાજુમાં આવેલ મહારાજના ખેતરના મકાને લઇ જઇ હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદીને ભયમાં મૂકી બળજબરી પૂર્વક ટૂકડે - ટૂકડે રૃપિયા ૭૫,૭૫,૫૫૦ ટોળકીએ પડાવી લીધા હતા. ગુનાની મુખ્ય આરોપી મનીષા વસાવા પકડાતા રિમાન્ડ દરમિયાન અન્ય હકીકતો બહાર આવશે અને કોણે કેટલા રૃપિયા લીધા છે, તે પણ જણવા મળશે. અન્ય એક આરોપી અહેમદે ૮ લાખ ફરિયાદી પાસેથી લીધા હતા. ગુનામાં સામેલ મહારાજ, અન્ય એક લંગડોને પકડવાના બાકી છે. તેમજ આશિકની અલ્ટો ગાડી કબજે કરવાની બાકી છે.


