Gujarat

શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’ : પરંપરાગત વાનગીઓની સાથે તૈયાર ફૂડનો ટ્રેન્ડ વધ્યો

By GS Team
1 Sep 20265 mins read
TukuTouch Logo
સુરતમાં રાંધણ છઠ અને શીતળા સાતમની ઉજવણીમાં પેઢી બદલાતા મેનુમાં ફેરફાર આવ્યો છે. નવી પેઢી ઠંડા ભોજનને ઓછું પસંદ કરતી હોવાથી હવે પરંપરાગત વાનગીઓ સાથે દહીંવડા, પાતરા અને પાણીપુરી જેવા ઓર્ડર વધ્યા છે. સમયના અભાવે લોકો બહારથી તૈયાર ભોજન મંગાવતા હોવાથી નાના કેટરર્સ, રસોઈયા અને ઘરગથ્થુ રીતે રસોઈ બનાવતી મહિલાઓ માટે શ્રાવણ માસમાં રોજગારીની તકો વધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’ : પરંપરાગત વાનગીઓની સાથે તૈયાર ફૂડનો ટ્રેન્ડ વધ્યો

Shitala Satam Special : શ્રાવણ માસમાં આવતા રાંધણ છઠ અને શીતળા સાતમ સુરતીઓની વર્ષો જૂની પરંપરા સાથે જોડાયેલા તહેવારો છે, પરંતુ પેઢી બદલાતાં તેની ઉજવણીની રીત અને ભોજનની પસંદગીમાં પણ મોટો બદલાવ આવ્યો છે. શીતળા સાતમે નવી પેઢી ઠંડો કે આગલા દિવસનો ખોરાક ઓછો પસંદ કરતી હોવાથી પરંપરા જાળવી રાખવા પરિવારો પોતાની અનુકૂળતા અને સ્વાદ પ્રમાણે મેનુમાં ફેરફાર કરી રહ્યા છે. નવી પેઢીને ભાવતી વાનગીઓના ઓર્ડર પણ વધી રહ્યા છે. નોકરી-વ્યવસાયના કારણે ઘરમાં આખો દિવસ રસોઈ બનાવવાનો સમય ન મળતો હોવાથી તૈયાર ફૂડ મંગાવવાનો ટ્રેન્ડ પણ વેગ પકડી રહ્યો છે. પરિણામે શીતળા સાતમ માત્ર પરંપરાની ઉજવણી પૂરતી સીમિત ન રહેતાં નાના કેટરર્સ, રસોઈયા અને ઘરેથી રસોઈ બનાવી આપતા લોકો માટે સીઝનલ રોજગારી અને વધારાની આવકનું માધ્યમ બની છે. એક જ તહેવારમાં મૂળ સુરતીઓની પરંપરાગત વાનગીઓથી માંડી અલગ-અલગ સમાજની ખાણીપીણીની પસંદગી મુજબના ઓર્ડર મળતા હોવાથી તહેવાર પહેલાંથી જ નાના રસોઈ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં કામકાજ વધ્યું છે.
મૂળ સુરતી પરિવારોમાં રાંધણ છઠના દિવસે વહેલી સવારથી જ ઘરમાં વિવિધ વાનગીઓ બનાવવાની પરંપરા રહી છે. અગાઉ રાંધણ છઠના દિવસે ઘરની મહિલાઓ એકઠી થઈને મગ-મઠની પુરી, ખાટા વડા, મોહનથાળ, લાડુ, બાસુંદી, સુકા બટાકાનું શાક, બાફેલા પાતરા, ગુલાબજાંબુ, શ્રીખંડ-પુરી, સક્કરપારા સહિતની અનેક વાનગીઓ બનાવતી હતી. ત્યારબાદ રાત્રે ચૂલો ઠારી દેવામાં આવતો અને શીતળા સાતમના દિવસે આગનો ઉપયોગ કર્યા વગર અગાઉથી તૈયાર કરેલો ખોરાક આરોગવાની પરંપરા હતી. કેટલીક પરિવારોમાં તો શીતળા સાતમના દિવસે નાહવાના પાણીથી માંડીને ભોજન સુધીમાં ગરમ વસ્તુનો ઉપયોગ ન કરવાની માન્યતા પણ જોવા મળતી હતી. જોકે, સમયની સાથે સુરતીઓની ખાણીપીણીની પસંદગી બદલાતાં રાંધણ છઠની રસોઈના મેનુમાં પણ ફેરફાર થયો છે.
ખાસ કરીને નવી પેઢી આગલા દિવસનો કે લાંબો સમય રાખેલો ઠંડો ખોરાક ખાવામાં રસ દાખવતી ન હોવાથી પરિવારો હવે એવી વાનગીઓ પસંદ કરી રહ્યા છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે શીતળા સાતમના દિવસે પણ સારી સ્થિતિમાં રહે. મોહનથાળ, રવા-મેંદાની ફરસીપુરી, કેળા-મેથીના ભજીયા જેવી વાનગીઓની માંગ યથાવત છે, જ્યારે નવી પેઢીની પસંદગી મુજબ દહીંવડા, દહીંપુરી, ભેળપુરી, પાણીપુરી, સેન્ડવીચ સહિતની વાનગીઓ પણ મેનુમાં સ્થાન પામી છે. ખાસ કરીને નોકરી કરતા દંપતી અને વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોમાં આખો દિવસ ઘરમાં ઊભા રહીને રસોઈ બનાવવાની જગ્યાએ તૈયાર વાનગીઓ મંગાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. આ કારણે શીતળા સાતમ પહેલાં જ નાના રસોઈયા અને ઘરગથ્થુ રીતે રસોઈ બનાવી આપતા લોકો પાસે ઓર્ડર શરૂ થઈ જાય છે. કેટલાક લોકો માત્ર પરંપરાગત સુરતી વાનગીઓના ઓર્ડર લે છે, જ્યારે કેટલાક નવી પેઢીની પસંદગી મુજબનું મેનુ તૈયાર કરી આપે છે. પરિવારના સભ્યોની સંખ્યા પ્રમાણે નાના ઓર્ડરથી માંડી મોટી સંખ્યામાં વાનગીઓના ઓર્ડર મળતા હોવાથી ઘરેથી રસોઈ બનાવતા લોકો માટે પણ આ તહેવાર વધારાની આવકનું માધ્યમ બન્યો છે.
મોરાભાગળ વિસ્તારમાં રસોઈનું કામ કરતા જશવંત ત્રિવેદી જણાવે છે કે, મૂળ સુરતી પરિવારોમાં શીતળા સાતમ માટે આજે પણ પરંપરાગત વાનગીઓની માંગ છે. ખાસ કરીને મોહનથાળ, રવા-મેંદાની ફરસીપુરી અને કેળા-મેથીના ભજીયાના ઓર્ડર મળે છે. આ વાનગીઓ લાંબો સમય સારી રહેતી હોવાથી શીતળા સાતમ માટે અનુકૂળ માનવામાં આવે છે. અગાઉ પરિવારો પોતે મોટી માત્રામાં રસોઈ બનાવતા હતા, પરંતુ હવે સમયના અભાવે ઘણા લોકો બહારથી ઓર્ડર આપવાનું પસંદ કરે છે.
બીજી તરફ કતારગામમાં કેટરિંગનું કામ કરતા રાજુભાઈના જણાવ્યા મુજબ, શીતળા સાતમની ઉજવણીમાં પણ સમાજ અને વિસ્તાર પ્રમાણે ખાણીપીણીની પસંદગી અલગ જોવા મળે છે. સૌરાષ્ટ્રવાસી પરિવારો માટે તેમની પરંપરા મુજબની વાનગીઓના ઓર્ડર મળે છે, જ્યારે અન્ય પરિવારો પોતાની પસંદગી પ્રમાણે મેનુ નક્કી કરે છે. પરિણામે એક જ તહેવાર માટે અલગ-અલગ પ્રકારની રસોઈ તૈયાર કરવાની તક મળે છે અને નાના કેટરર્સ માટે કામનું પ્રમાણ પણ વધે છે. શીતળા સાતમના કારણે માત્ર કેટરર્સને જ નહીં પરંતુ ઘરેથી ઓર્ડર મુજબ રસોઈ બનાવી આપતી મહિલાઓ, નાના રસોઈયા, મીઠાઈ બનાવનારાઓ અને વિવિધ નાસ્તાની વાનગીઓ તૈયાર કરતા લોકોને પણ કામ મળે છે. પરિવારના સભ્યોની સંખ્યા મુજબ નાના પેકેજથી માંડી મોટા ઓર્ડર સુધીની વ્યવસ્થા થતી હોવાથી મોટા કેટરિંગ હાઉસની સાથે નાના સ્તરે કામ કરતા લોકો માટે પણ તહેવારની સીઝન કમાણીની તક લઈને આવે છે.   
આમ, પેઢીઓ બદલાતા રાંધણ છઠ અને શીતળા સાતમની ઉજવણીમાં ભોજનની પસંદગી બદલાઈ રહી છે, પરંતુ તહેવાર સાથે જોડાયેલી ભાવના અને પરંપરા યથાવત રાખવા માટે પરિવારો નવી રીતો અપનાવી રહ્યા છે. આ બદલાવનો સીધો લાભ નાના રસોઈયા, ઘરગથ્થુ રસોઈ બનાવનારાઓ અને કેટરર્સને મળી રહ્યો છે. પરંપરાગત તહેવારની ઉજવણી હવે અનેક નાના વ્યવસાયકારો માટે શ્રાવણ માસમાં વધારાની આવક અને સીઝનલ રોજગારીનું કારણ બની રહી છે.
ફરસાણની દુકાનોમાં છઠના દિવસે પાતરાનું ધુમ વેચાણ
રાંધણ છઠના દિવસે ઘરે વિવિધ વાનગીઓ બનાવવાની પરંપરા હવે સમયના અભાવ અને બદલાયેલી ખાણીપીણીની પસંદગીના કારણે ધીમે ધીમે બદલાઈ રહી છે. ખાસ કરીને પાતરા જેવી વાનગી હવે અનેક પરિવારો ઘરે બનાવવાને બદલે ફરસાણની દુકાનમાંથી તૈયાર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. પરિણામે રાંધણ છઠના દિવસે શહેરની ફરસાણની દુકાનોમાં પાતરાની ખાસ માંગ જોવા મળે છે અને દુકાનદારો પણ સામાન્ય દિવસોની સરખામણીએ વધુ જથ્થામાં પાતરા તૈયાર કરે છે. મૂળ સુરતીઓમાં ગોળ-આમલીની મીઠી-ખાટી ચટાકેદાર ચટણી અને ગરમ મસાલાના સ્વાદવાળા પાતરા પસંદ કરવામાં આવતા હોવાથી છઠના દિવસે આવા પાતરા ખાસ પ્રમાણમાં તૈયાર કરવામાં આવે છે. ઘરમાં લાંબી પ્રક્રિયા કરીને પાતરા બનાવવાને બદલે તૈયાર પાતરા ખરીદવાથી સમય અને મહેનત બંને બચે છે. રાંધણ છઠની પરંપરા જાળવી રાખવા માટે લોકો ઘરે અન્ય વાનગીઓ બનાવે છે, જ્યારે પાતરા જેવી મહેનતવાળી વાનગી ફરસાણની દુકાનમાંથી તૈયાર લાવવાનો વિકલ્પ અપનાવી રહ્યા છે.
પાણીપુરીની તૈયાર પુરીવાળાને તડાકો
સુરતમાં પાણીપુરીનું વેચાણ બારેમાસ થતું હોવાથી પાણીપુરીની પુરી બનાવતા વેપારીઓ માટે આમ તો વર્ષના 365 દિવસ ધંધાની સીઝન રહે છે, પરંતુ રાંધણ છઠ અને શીતળા સાતમના તહેવારોમાં તેમની આવકમાં ખાસ ઉછાળો જોવા મળે છે. રાંધણ છઠના દિવસે શીતળા સાતમ માટે પાણીપુરીની પુરી અને અન્ય તૈયાર સામગ્રી ખરીદવાનું પ્રમાણ સામાન્ય દિવસોની સરખામણીએ અનેકગણું વધી જાય છે. નવી પેઢીમાં શીતળા સાતમના દિવસે ઠંડા ભોજનમાં પરંપરાગત વાનગીઓની સાથે પાણીપુરી, ભેળપુરી અને સેન્ડવીચ જેવી વાનગીઓનો સમાવેશ થતો હોવાથી તૈયાર પાણીપુરીની પુરીની માંગમાં પણ વધારો થયો છે. ઘરે પાણીપુરીની પુરી બનાવવાની પ્રક્રિયા સમય માંગી લેતી હોવાથી હવે પરિવારો તૈયાર પુરી ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. એટલું જ નહીં, પાણીપુરી માટેનું પાણી પણ ઘરે તૈયાર કરવાને બદલે તૈયાર પાણી ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો છે. પરિણામે રાંધણ છઠના દિવસે પાણીપુરીની પુરી વેચતા વેપારીઓની સાથે પાણીપુરીનું તૈયાર પાણી વેચતા નાના વેપારીઓને પણ મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે. તહેવારના એક દિવસ માટે જ મોટા જથ્થામાં પુરી અને પાણીની માંગ ઊભી થતાં નાના વેપારીઓ માટે શીતળા સાતમ પણ સીઝનલ કમાણીનો સારો અવસર બની રહી છે.