Vadodara Petrol Diesel Crisis : વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં ડીઝલની અછતને લઈને ફરિયાદો ઊઠી રહી છે. અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલાક પેટ્રોલ પંપ પર જથ્થો ખૂટી પડતા અવારનવાર પંપ બંધ કરવાની સ્થિતિ સર્જાય છે.
વાહનચાલકોનું કહેવું છે કે જરૂરી માત્રામાં ડીઝલ મળી રહ્યું નથી અને પંપ પર એકથી બે હજાર રૂપિયાની મર્યાદા નક્કી કરાઈ છે. બીજી તરફ પેટ્રોલ પંપ સંચાલકો કંપની તરફથી મર્યાદિત સ્ટોક મળી રહ્યો હોવાનું જણાવી રહ્યા છે. જોકે અધિકારીઓ તરફથી ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું અને ગભરાવાની જરૂર ન હોવાના દાવા થઈ રહ્યા છે.
ડીઝલનો સ્ટોક ઓછો મળતા કેટલાક પેટ્રોલ પંપ પર અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ડીઝલ ભરાવવા માટે વાહનચાલકોને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. ખાસ કરીને કૌમર્શિયલ વાહનચાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ ખેતીની સિઝન દરમિયાન ખેડૂતોને ટ્રેક્ટરો માટે મોટા પ્રમાણમાં ડીઝલની જરૂરિયાત રહે છે. તેવા સમયે ડીઝલ મર્યાદિત મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ટ્રક ચાલકોને 5000 રૂપિયા સુધીનું ડીઝલ આપવામાં આવે છે જ્યારે ખેડૂતોને માત્ર 2000 રૂપિયાનું ડીઝલ આપવામાં આવે છે જેના કારણે ખેતીની કામગીરી પર અસર થવાની ભીતિ વ્યક્ત કરી છે આના લીધે ભવિષ્યમાં પાકને થનારું નુકસાનની કોણ ભરપાઈ કરી આપશે તેઓ વેધક પ્રશ્ન ભૂમિપુત્રોએ કર્યો છે.
પ્રીમિયમ પેટ્રોલ-ડીઝલ વેચાણની ફરિયાદ
કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા વધુ પ્રમાણમાં પ્રિમિયમ પેટ્રોલ-ડીઝલનું વેચાણ કરવામાં આવતું હોવાની પણ ફરિયાદો ઉઠી છે. સામાન્ય પેટ્રોલ-ડીઝલના ભાવની સરખામણીએ નાગરિકોને વધુ ખર્ચે પ્રિમિયમ ઇંધણ ખરીદવાની ફરજ પડી રહી હોવાનું પ્રિમિયમ મોંઘું હોવાથી મોંઘવારી વચ્ચે વાહનચાલકો જણાવી રહ્યા છે.
કારબા અને બોટલમાં ઈધણ આપવાનું બંધ
સરકારની સૂચના મુજબ પેટ્રોલ પંપ પર કારબા અને બોટલોમાં ઈધણ આપવાનું બંધ કરાયું છે. જેના કારણે કોમર્શિયલ વાહનધારકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમનું કહેવું છે કે મોટા વાહનો સાઈટ પર કાર્યરત હોય છે અને અચાનક ડીઝલ ખૂટી પડે ત્યારે કારબામાં ડીઝલ લઈ જવું પડતું હોય છે. હવે પેટ્રોલ પંપ સંચાલકો કારબામાં ડીઝલ આપવાનો ઈનકાર કરતા હોવાથી કામગીરી પર અસર પડી રહી છે.


