Get The App

ગોધરામાં તસ્કરો બેફામ: ભાજપ યુવા મોરચાના મહામંત્રીની સ્કોર્પિયો કાર ઘરઆંગણેથી ચોરાઈ, ઘટના CCTVમાં કેદ

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
ગોધરામાં તસ્કરો બેફામ: ભાજપ યુવા મોરચાના મહામંત્રીની સ્કોર્પિયો કાર ઘરઆંગણેથી ચોરાઈ, ઘટના CCTVમાં કેદ 1 - image


Panchmahal News: પંચમહાલના ગોધરા શહેરમાં તસ્કરો હવે રાજકીય આગેવાનોને પણ નિશાન બનાવી રહ્યા છે. શહેરની શાંતિ નિવાસ સોસાયટીમાં રહેતા ભાજપ યુવા મોરચાના જિલ્લા મહામંત્રી વિવેક શાહની સ્કોર્પિયો કાર અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે.

સોસાયટીમાંથી રાત્રિના સમયે થઈ ચોરી

મળતી માહિતી અનુસાર, ભાજપ અગ્રણી વિવેક શાહે પોતાની સ્કોર્પિયો કાર રાબેતા મુજબ શહેરની શાંતિ નિવાસ સોસાયટી સ્થિત પોતાના ઘરના આંગણે પાર્ક કરી હતી. મોડી રાત્રે તસ્કરોએ સોસાયટીમાં પ્રવેશ કરી, ચોકસાઈપૂર્વક આ કારની ઉઠાંતરી કરી હતી. સવારે જ્યારે પરિવાર જાગ્યો ત્યારે ઘરઆંગણે કાર ન હોવાનું જણાતા ચોરીની જાણ થઈ હતી.

ચોરીની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં અજાણ્યા તસ્કરો કાર ચોરી કરીને લઈ જતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ ફૂટેજના આધારે પોલીસે તસ્કરોનું પગેરું દબાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: છોટા ઉદેપુરના રૂમડિયામાં 'ગોળ ફર્યાનો મેળો': બાધા પૂર્ણ થતા લાકડાના મંચ પર ગોળ-ગોળ ફેરવવાની અનોખી પરંપરા, વિદેશીઓ ઉમટ્યા

પોલીસ તપાસનો ધમધમાટ

ઘટના અંગે વિવેક શાહ દ્વારા ગોધરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. રહેણાંક વિસ્તાર અને એ પણ ભાજપના હોદ્દેદારની કાર ચોરાતા સ્થાનિક રહીશોમાં ભય અને ફફડાટની લાગણી જોવા મળી રહી છે. લોકો હવે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી રહ્યા છે.