Gujarat

ચલાલા પાસે સ્કૂલ બસ બેકાબૂ બની રોડ નીચે સરકી, 10 વિદ્યાર્થી ઘાયલ

By GS TEAM
18 Apr 20261 min read
ચલાલા પાસે સ્કૂલ બસ બેકાબૂ બની રોડ નીચે સરકી, 10 વિદ્યાર્થી ઘાયલ

ધારીના ગોપાલગ્રામની હાઈસ્કૂલની બસને અકસ્માત : અચાનક સ્ટિયરિંગનો રોડ તૂટી જતાં ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો : પણ બસને પલટી ખાઈ જતાં અટકાવી

અમરેલી,   ચલાલા નજીક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. ધારીના ગોપાલગ્રામની ઓપીઝેડ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને લઈને જતી બસનું સ્ટિયરિંગનો રોડ તૂટી જતાં બસ બેકાબૂ બની રોડ નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં અંદાજે 10 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, ગોપાલગ્રામની ઓપીઝેડ હાઈસ્કૂલની બસ ચલાલાથી વિદ્યાર્થીઓને લઇને ગોપાલગ્રામ તરફ જઈ રહી હતી એ દરમિયાન ચલાલા નજીક અચાનક બસના સ્ટિયરિંગનો રોડ તૂટી ગયો હતો, જેના કારણે ચાલકે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસ રોડ પરથી નીચે ઉતરી જતાં અંદર બેઠેલા વિદ્યાર્થીઓમાં ચીસાચીસ મચી ગઈ હતી. જોકે, ચાલકની સમયસૂચકતાને કારણે બસ પલટી ખાતા બચી ગઈ હતી, જેનાથી મોટી જાનહાનિ ટળી હતી.

અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને ચલાલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા. સ્થાનિક પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.