Gujarat New Chief Electoral Officer: ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી પહેલા મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા છે. હરિત શુકલાને બદલે હવે IAS અધિકારી સંદીપ સાગલે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની જવાબદારી નિભાવશે.
સરકારના તમામ વર્તમાન હોદ્દાઓ છોડવા આદેશ
ભારત ચૂંટણી પંચે ગુજરાત સરકાર સાથે પરામર્શ બાદ આ નિર્ણય લીધો છે. રાજ્યના નવા મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) IAS સંદીપ જનાર્દનપંત સાગલે હરીત શુક્લાની જગ્યાએ જવાબદારી સંભાળશે. તેઓ જે તારીખથી કાર્યભાર સંભાળશે તે દિવસથી આ આદેશ અમલી ગણાશે. સંદીપ સાગલેએ ગુજરાત સરકાર હેઠળના તેમના અન્ય તમામ વર્તમાન હોદ્દાઓ અથવા કાર્યભાર તાત્કાલિક છોડવાના રહેશે. આ નિમણૂક ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 13-ક ની પેટા-કલમ (1) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરી છે.
જૂન 2024માં હરિત શુક્લાની કરાઇ હતી નિમણૂક
ગુજરાતમાં જૂન 2024માં પી. ભારતીની જગ્યાએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે હરિત શુક્લાની નિમણૂક કરવામા આવી હતી. ત્યારે હવે આજે (23 ફેબ્રુઆરી) હરિત શુક્લાની જગ્યાએ સંદિપ સાગલેને જવાબદારી સોંપવામાં આવી છે.
સંદીપ સાગલે 2007ની કેડરના IAS અધિકારી
મૂળ મહારાષ્ટ્રના સંદીપ સાગલે 2007ની કેડરના IAS અધિકારી છે. તેમનો જન્મ 16 નવેમ્બર 1972નો થયો હતો. તેમણે ગાંધીનગર, નર્મદા, ભરૂચ, બનાસકાંઠા, ખેડા, અમરેલી, જૂનાગઢ જિલ્લાઓમાં વિવિધ જવાબદારીઓ નિભાવી છે.



