સાબરકાંઠા: હિંમતનગર સહિતના પંથકમાં માવઠાનો માર, ઘઉંનો તૈયાર પાક પલળતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Unseasonal Rain Damages Wheat Crops in Sabarkantha: સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારે (19મી માર્ચ) મોડી સાંજે અચાનક બદલાયેલા વાતાવરણ અને ગાજવીજ સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં તોતિંગ વધારો કર્યો છે. હિંમતનગર, પ્રાંતિજ અને તલોદના અનેક વિસ્તારોમાં માવઠાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ભારે પવન સાથે વરસાદે ખેતરોમાં સર્જી તારાજી
મળતી માહિતી અનુસાર, ગુરુવારે રાત્રે ફૂંકાયેલા પવન અને વરસાદને કારણે ખેતરોમાં ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. ખાસ કરીને હિંમતનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાની સૌથી વધુ અસર જોવા મળી છે. લણણીના આરે ઉભેલા ઘઉંનો તૈયાર પાક અનેક જગ્યાએ આડો પડી ગયો છે. જે ખેડૂતોએ ઘઉંની લણણી કરી ખેતરમાં રાખ્યા હતા, તે ઘઉં પલળી જતાં ખેડૂતો પાયમાલ થયા છે.
આ પણ વાંચો: અમરેલીના બગસરામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, લુધિયા ગામમાં તૈયાર પાક નાશ પામ્યો
ગુણવત્તા બગડતા ભાવ ઘટવાનો ડર
કમોસમી વરસાદને કારણે ઘઉં પલળી જવાથી હવે તેમાં 'કાળા ડાઘ' પડવાની શક્યતા છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે, ઘીવાળા અને પલળેલા ઘઉંની ગુણવત્તા ઓછી ગણાશે. માર્કેટ યાર્ડમાં આવા ઘઉંના ભાવ ખૂબ જ ઓછા મળશે, જેનાથી ખેડૂતોને આર્થિક ફટકો પડશે.
બટાકા પકવતા ખેડૂતો પણ ચિંતાતુર
માત્ર ઘઉં જ નહીં, પરંતુ સાબરકાંઠાના પ્રાંતિજ અને તલોદ પંથકમાં જે ખેડૂતો અત્યારે બટાકાની લણણી કરી રહ્યા છે, તેઓ પણ આ કમોસમી વરસાદથી ચિંતિત બન્યા છે. જમીનમાં રહેલા બટાકાના પાકમાં પાણી ભરાવાથી કે ભેજ વધવાથી નુકસાન થવાની ભીતિ છે. ઉનાળાની શરૂઆતે જ કુદરતી આફત આવતા જગતનો તાત લાચાર બન્યો છે. અથાક મહેનત બાદ જ્યારે પાક ઘરે લાવવાનો સમય થયો, ત્યારે જ વરસાદે કોળિયો છીનવી લેતા ખેડૂતો હવે સરકાર પાસે વળતરની આશા રાખી રહ્યા છે.









