UCC ગેઝેટ બહાર પડતાં જ લગ્ન નોંધણી માટે ધસારો, દંડના ડરથી પોર્ટલ પર સર્વર લોડ વધ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UCC Marriage Registration Rush: ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક ધારા (UCC) બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ 1 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર ગેઝેટ નોટિફાય કરાયું છે. આ કાયદાની જાહેરાત થતા જ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં લગ્ન નોંધણી પ્રમાણપત્ર (Marriage Certificate) મેળવવા માટે નાગરિકોમાં દોડધામ મચી ગઈ છે. ડિજિટલ પોર્ટલ પર અરજીઓમાં અસામાન્ય ઉછાળો આવતા વિવિધ શહેરોની ઓનલાઈન સિસ્ટમ પર બેકએન્ડ લોડ વધી ગયો છે. ઓનલાઈન ટ્રાફિકના વિશ્લેષણ મુજબ છેલ્લા 48 થી 72 કલાકમાં લગ્ન નોંધણીની અરજીઓમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે.
દૈનિક સરેરાશ 150-200 ફોર્મ સામે હાલ 800 અરજી
સામાન્ય દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના મેરેજ રજિસ્ટ્રેશન પોર્ટલ પર દૈનિક સરેરાશ 150 થી 200 ફોર્મ સબમિટ થતા હતા. જો કે, છેલ્લા એક અઠવાડિયામાં આ આંકડો સીધો ઊંચકાયો છે અને હાલમાં રોજના અંદાજે 700થી 800 અને ક્યારેક તેનાથી પણ વધુ લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે.
60 દિવસમાં નોંધણી ન કરાવનારાને રૂ. 25,000 સુધીનો દંડ
આ અરજીઓમાં અચાનક થયેલા વધારાનું મુખ્ય કારણ યુનિફોર્મ સિવિલ કોડની કડક જોગવાઈઓ છે. નવા નિયમો મુજબ, લગ્ન થયાના 60 દિવસની અંદર નોંધણી કરાવવી કાનૂની રીતે ફરજિયાત બનશે. નિયત સમયમર્યાદામાં નોંધણી ન કરાવાય તો રૂ. 10,000થી લઈને રૂ. 25,000 સુધીના દંડની જોગવાઈ છે. આ કાનૂની ગૂંચવણો અને આકરા દંડથી બચવા માટે હજારો જૂના પરિણીત દંપતીઓ પણ અત્યારથી જ ઓનલાઈન ફોર્મ ભરવા સક્રિય થઈ ગયા છે.
100% ડિજિટલ પ્રક્રિયા: વોર્ડ ઓફિસો ખાલી, પણ ઓનલાઈન સ્લોટમાં વેઇટિંગ
કોર્પોરેશન દ્વારા ઓગસ્ટ 2026થી જ લગ્ન નોંધણી પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ કરી દેવાઈ છે. નાગરિકો ઘરે બેઠા જ દસ્તાવેજો અપલોડ કરી શકતા હોવાથી વોર્ડ ઓફિસો પર ઓફિસો પર લાઈનો ઘટી છે. જો કે, દસ્તાવેજોના વેરિફિકેશન માટે મળતા અપોઈન્ટમેન્ટ સ્લોટ્સનો વેઇટિંગ પીરિયડ વધી ગયો છે. જે સ્લોટ પહેલા બેથી ત્રણ દિવસમાં મળી જતો હતો, તે મેળવવા માટે હવે 7થી 10 દિવસ સુધીની રાહ જોવી પડે છે.
સરકારી અને નાણાકીય કામકાજ અટકવાનો ભય
નાગરિકોમાં ચર્ચા છે કે યુનિફોર્મ સિવિલ કોડ સંપૂર્ણપણે અમલી બન્યા બાદ લગ્ન પ્રમાણપત્ર વગર પાસપોર્ટમાં નામ બદલવું, સંયુક્ત બેંક ખાતા ખોલાવવા, વારસાઈ હક અને વીમા ક્લેઈમ જેવા મહત્ત્વના કામ અટકી શકે છે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ માટેની ચોક્કસ તારીખ અને નિયમો જાહેર કરશે, પરંતુ તે પહેલા જ જાગૃત નાગરિકો કાયદાકીય સજ્જતાના ભાગરૂપે નોંધણી કરાવવા માટે પોર્ટલ પર સક્રિય થયા છે.




