Gujarat

કપડવંજમાં આવાસ યોજના કૌભાંડની ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તપાસ શરૂ

By GS TEAM
9 Oct 20252 mins read
કપડવંજમાં આવાસ યોજના કૌભાંડની ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તપાસ શરૂ

- કરોડોની ગેરરીતિ બહાર આવવાની સંભાવના

- ગોચરના મુવાડા ગામમાં 2 લાભાર્થીના એક જ મકાન પાસે ફોટા પાડી રૂા. 1.60 લાખ ચૂકવાયા

નડિયાદ : ખેડા જિલ્લાના કપડવંજમાં આવાસ કૌભાંડમાં જિલ્લા પંચાયત દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. કૌભાંડ બહાર આવ્યા બાદ ઉચ્ચાધિકારીઓ દ્વારા સીધી તપાસ શરૂ કરાવાઈ છે. ગોચરના મુવાડા ગામમાં બે લાભાર્થીઓના એક જ મકાન પાસે ફોટા પાડી રૂા. ૧.૬૦ લાખ રૂપિયા ચુકવી દેવાયા છે. જો આ અંગે ઉંડાણપૂર્વક તપાસ થાય તો હજુ પણ આ જ પ્રકારની મોડેસ ઓપરેન્ડરીથી લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવવાની સંભાવના છે. 

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં કપડવંજ તાલુકા પંચાયત હસ્તક કૌભાંડ સામે આવ્યું છે. જિયોટેગના ફોટા અપલોડ કરવાના સરકારી નિયમનો ભંગ કરી લાભાર્થીઓ સાથે નાણાંકીય લેવડ-દેવડ નક્કી કરી અને એક જ ફોટાની મદદથી લાભાર્થીઓને ૮૦,૦૦૦ રૂપિયાના હપ્તા ચુકવાયા છે. આવા ૭ લાભાર્થીની યાદી સહિતની વિગતો સામે આવ્યા બાદ ખેડા જિલ્લા પંચાયત હસ્તકની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ મામલે તપાસ શરૂ કરાઈ છે. તપાસ ટીમ નિયુક્ત કરી કપડવંજ રવાના કરાઈ છે. જ્યાં પ્રાથમિક વિગતો ચકાસ્યા બાદ આગળની ઉંડાણપૂર્વકની તપાસ કરાશે તેવી માહિતી મળી રહી છે. 

ગોચરના મુવાડા ગામમાં પરમાર પ્રેમિલાબેનને જીજે૧૪૫૯૬૫૮૬૫થી આવાસ મંજૂર કરી ૧૮/૦૩/૨૦૨૫ના રોજ ૮૦ હજારની સહાય ચુકવાઈ હતી. ગૌચરના મુવાડામાં જ પરમાર મૌલિકકુમારને આવાસ જીજે૧૪૫૯૬૦૩૬૫થી મંજૂર કરી ૧૧/૦૩/૨૦૨૫ના રોજ ૮૦ હજારની સહાય ચુકવાઈ છે. આ બંને આવાસો સંદર્ભે  ૦૫/૦૨/૨૦૨૫ના રોજ જે ફોટા અપલોડ કરાયા તે એક જ મકાન પાસે ઉભા રાખી ફોટો પાડયાનું જણાઈ આવ્યું છે. ત્યારે કયા કર્મચારીઓ દ્વારા આ પ્રકારે ગેરરીતિ કરવામાં આવી છે, તે અંગે વિસ્તૃત તપાસ થાય તો હજુ ગંભીર પ્રકારની ક્ષતિઓ સાથે કૌભાંડ કર્યાનું સામે આવે તેમ છે.