Get The App

ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો આક્ષેપ, બાર કાઉન્સિલની ચૂંટણીમાં માથાકૂટ

અધિકારીએ રાજીનામું આપવાની ધમકી આપતા મતગણતરી અટકી

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો આક્ષેપ, બાર કાઉન્સિલની ચૂંટણીમાં માથાકૂટ 1 - image

Gujarat Bar Council Election: ન્યાય આપવાના પવિત્ર વ્યવસાય સાથે જોડાયેલા વકીલો જ જો ગેરરીતિના આક્ષેપોમાં સપડાય તો સમગ્ર ન્યાયવ્યવસ્થા પર પ્રશ્નચિહ્ન ઊભું થાય છે. બાર કાઉન્સિલ ઑફ ગુજરાતની તાજેતરની ચૂંટણી બાદ ઊભા થયેલા વિવાદે આવી જ પરિસ્થિતિ સર્જી છે. આ વિવાદ વચ્ચે ચૂંટણી અધિકારીઓએ રાજીનામું ધરી દેવા સુધીની ચેતવણી ઉચ્ચારી હતી. અમદાવાદમાં 6 માર્ચ, 2026ના રોજ ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ હોલ ખાતે બાર કાઉન્સિલ ઑફ ગુજરાતની ચૂંટણી યોજાઈ હતી. મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી નિયમો મુજબ બેલેટ બોક્સ ઉમેદવારો અને તેમના એજન્ટોની હાજરીમાં સીલ કરવામાં આવ્યા હતા.

ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ તમામ બેલેટ બોક્સને નિયમ મુજબ ટ્રકમાં મૂકી ગુજરાત હાઇકોર્ટ ઑડિટોરિયમ ખાતે લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે આ દરમિયાન કેટલાક ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો અને ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ થયો હોવાનું દસ્તાવેજોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટ્રકમાં રાખવામાં આવેલી ચૂંટણી સામગ્રીને સળગાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ટ્રકમાં બેઠેલા સ્ટાફ સભ્યોને પણ નીચે ઉતરી જવા માટે ધમકાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. પરિસ્થિતિ બેકાબૂ બનતા બાર કાઉન્સિલના સચિવ દ્વારા તાત્કાલિક પોલીસ સુરક્ષા માંગવામાં આવી હતી.

પરિસ્થિતિ તંગ બનતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ અધિકારીઓની હાજરીમાં બેલેટ બોક્સ તેમજ અન્ય ચૂંટણી સામગ્રીની તપાસ કરવામાં આવી હતી અને તમામ સીલ યથાવત્ હોવાનું નોંધાયું હતું. છતાં કેટલાક લોકો દ્વારા મતગણતરીની પદ્ધતિ અંગે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ચૂંટણી નિયમો મુજબ મતગણતરી દરમિયાન પ્રથમ અમાન્ય મતપત્રો અલગ કરીને બાકીના માન્ય મતપત્રોને પ્રથમ પસંદગીના આધારે ગોઠવી ગણતરી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ચીફ રિટર્નિંગ ઑફિસર હસમુખ એમ. પારીખ અને જ્વાઇન્ટ રિટર્નિંગ ઑફિસર રશ્મિન સી. જાની દ્વારા તમામ ઉમેદવારોને મતગણતરી દરમિયાન શાંતિ અને શિસ્ત જાળવવા અપીલ કરવામાં આવી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો શાંતિપૂર્ણ વાતાવરણ અંગે ઉમેદવારો તરફથી ખાતરી નહીં મળે તો મતગણતરી શરૂ કરવી મુશ્કેલ બની શકે છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાને પણ અવગત કરાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. માહિતી અનુસાર હંગામા દરમિયાન મોટી સંખ્યામાં લોકો ટ્રક આસપાસ એકત્રિત થઈ ગયા હતા અને રિટર્નિંગ ઓફિસર હસમુખ પારીખ, રશ્મિન જાની તથા બાર કાઉન્સિલના સ્ટાફને ઘેરી લેવામાં આવ્યા હોવાનું પણ નોંધાયું છે. સુરક્ષાના કારણોસર કેટલાક અધિકારીઓને પોતાની કારમાં સ્થળ છોડવું પડ્યું હતું.

હંગામો કરવાના આક્ષેપ હેઠળના ઉમેદવારો

બાર કાઉન્સિલ ઑફ ગુજરાતની ચૂંટણી બાદ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા પછી કેટલાક ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા હંગામો કરવામાં આવ્યો હોવાનો રિટર્નિંગ ઑફિસરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. દસ્તાવેજમાં જણાવ્યા મુજબ નીચેના ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા ગડબડ અને હોબાળો કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે:

અન્સારી આફતાભુસેન અલ્તાફુસેન – ઉમેદવાર નં. 2

વાઘેલા પરેશકુમાર હીરાભાઈ – ઉમેદવાર નં. 93

પઠાણ મહંમદજુબેર અબ્દુલમજીદખાન – ઉમેદવાર નં. 70

પટેલ કનુભાઈ સોમાભાઈ – ઉમેદવાર નં. 66

પઠાણ ઝફરખાન શફીખાન – ઉમેદવાર નં. 72

વણિયા અરવિંદકુમાર ખેતાાભાઈ – ઉમેદવાર નં. 95

ભરવાડ અનિલ રમણભાઈ – ઉમેદવાર નં. 07

પરમાર રમેશભાઈ મનાભાઈ – ઉમેદવાર નં. 58

ચૌહાણ દક્ષા રમકુમાર – ઉમેદવાર નં. 16

પારીખ મનીષા બાલદેવભાઈ – ઉમેદવાર નં. 55

મકવાણા ગૌતમ શંકરલાલ – ઉમેદવાર નં. 45

મધુ નરેન્દ્રકુમાર રણમલજી – ઉમેદવાર નં. 44

દસ્તાવેજમાં વધુમાં જણાવાયું છે કે કેટલાક સમર્થકો દ્વારા ટ્રકમાં લઈ જવામાં આવતી ચૂંટણી સામગ્રીને આગ લગાવવાની ધમકી આપવામાં આવી હતી. પરિસ્થિતિ તંગ બનતાં બાર કાઉન્સિલના સચિવ દ્વારા પોલીસ સુરક્ષા બોલાવવાની ફરજ પડી હતી.