આંખો આંજી દેતી વ્હાઇટ એલઇડી લગાવનાર સામે લાલ આંખ
એક મહિનામાં ગેરકાયદે સફેદ લાઇટ લગાવીને વાહન હંકારતા ૧૧૪ ચાલકો પાસેથી ૧.૫૩ લાખ દંડ વસૂલાયો
વાહનોમાં લગાડવામાં આવતી ગેરકાયદેસર અને આંખોને આંજી દેતી
સફેદ એલઇડી લાઈટો સામે વાહનવ્યવહાર વિભાગ દ્વારા વધુ એક વખત પરિપત્ર બહાર પાડીને
તમામ આરટીઓને કાર્યવાહી કરવા માટે સુચના આપી છે જેના અનુસંધાને ગાંધીનગર આરટીઓ
દ્વારા શુક્ર-શનિવાર એમ બે દિવસ ખાસ ઝુંબેશ ચલાવી હતી. ઇન્સ્પેક્ટર્સ અને સ્ટાફની
અલગ અલગ ટીમો દ્વારા જિલ્લાના માર્ગો-જંકશન પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં
ફક્ત બે દિવસમાં સફેદ એલઇડી લગાવીને ફરતા ૬૨ જેટલા વાહન માલિકોને દંડ ફટકારવામાં
આવ્યો છે.ત્યારે આગામી દિવસોમાં વધુ ટીમો બનાવીને મુખ્ય માર્ગો, હાઇવેની સાથે
શહેરના આંતરિક માર્ગો પર પણ રાત્રી ચેકીંગની ડ્રાઇવ વધુ સઘન બનાવવામાં તેવા સંકેતો
આપવાની સાથે વાહનચાલકોને આ લાઇટ સ્વયં દૂર કરવા પણ સુચન પણ કરવામાં આવ્યું છે.
છેલ્લા એક મહિના દરમ્યાન ગાંધીનગર આરટીઓ દ્વારા કુલ ૧૧૪ જેટલા કેસ કરવામાં આવ્યા
છે. વ્હાઇટ એલઇડી લગાવનાર આ વાહનમાલિકો પાસેથી કુલ ૧.૫૩ લાખનો દંડ પણ વસુલવામાં
આવ્યો છે.


