Gujarat

મહિલાના એકાઉન્ટમાંથી યુપીઆઈ મારફત રૂા. 80 હજાર ટ્રાન્સફર કરી લીધા

By GS TEAM
13 Sep 20251 min read
મહિલાના એકાઉન્ટમાંથી યુપીઆઈ મારફત રૂા. 80 હજાર ટ્રાન્સફર કરી લીધા

- અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ધંધુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ 

- મહિલા પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે ગયા ત્યારે ફ્રોડ બહાર આવ્યું

ધંધુકા : ધંધુકા પંજાબ નેશનલ બેંકના ગ્રાહક સાથે ઓનલાઈન ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા વ્યક્તિએ ગ્રાહકના એકાઉન્ટમાંથી કોઇપણ ઓટીપી કે લિંક વિના જ કુલ રૂ. ૮૦,૯૦૨ ઉપાડી લેતા ચકચાર મચી જવા પામી છે.

ધંધુકાના સોફીયાબેન ઇસ્માઈલભાઈ મારુએ આશરે પાંચેક વર્ષ પહેલા પંજાબ નેશનલ બેંક ધંધુકા શાખામાં સેવિગ્સ એકાઉન્ટ ખોલાવ્યું હતું. તા. ૧૧ જુલાઈ, ૨૦૨૫ના રોજ તેઓ બેંક ખાતે રૂપિયા ઉપાડવા ગયા હતા. તે સમયે પાસબુકમાં એન્ટ્રી કરાવતાં તેમને બેલેન્સ દર્શાવાયું ન હતું. જેના કારણે સોફીયાબેનએ તાત્કાલિક ટ્રાન્ઝેક્શન ચેક કરાવ્યું તો તા. ૧૯ મે ૨૦૨૫ અને તા.૨૦ મે ૨૦૨૫ના રોજ બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન થયાનું બહાર આવ્યું. જેમાં પ્રથમ ટ્રાન્ઝેક્શન માત્ર રૂ.૨ નું હતું. તો બીજું ટ્રાન્ઝેક્શન રૂ.૮૦,૯૦૦ નું હતું. બન્ને ટ્રાન્ઝેક્શન યુપીઆઈ મારફતે થયેલા હોવાનું બહાર આવ્યું. આ રીતે સોફીયાબેનના એકાઉન્ટમાંથી કુલ રૂ.૮૦,૯૦૨ ઉપાડી લેવાયા હતા. સોફિયાબેનએ ધંધુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.