Get The App

રેલવે ટિકિટ બુક કરાવવા માટે 45 લોકો પાસેથી 1.48 લાખ પડાવ્યા

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
રેલવે ટિકિટ બુક કરાવવા માટે 45 લોકો પાસેથી 1.48 લાખ પડાવ્યા 1 - image

- વારાણસીમાં ભગવદ કથાના નામે છેતરપિંડી 

- પેટલાદ ટાઉન પોલીસ દ્વારા વડોદરાના શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી 

આણંદ : આણંદ જિલ્લાના પેટલાદમાં ધામક યાત્રાના નામે છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વારાણસીમાં શ્રીમદ ભગવદ કથાના આયોજનની લાલચ આપી, રેલવે ટિકિટ બુક કરવાના બહાને ૪૫ ભુદેવો પાસેથી રૂપિયા ૧.૪૮ લાખની રકમ પડાવી લઈ વિશ્વાસઘાત કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 

ફરિયાદ મુજબ, પેટલાદના નાના પાંડયાની પોળમાં રહેતા કૃણાલ કિરીટભાઈ ત્રિવેદીની ઓળખાણ વડોદરાના ચિરાગ મુકેશચંદ્ર જોશી સાથે દશેક વર્ષ પહેલા પાઠશાળામાં અભ્યાસ દરમિયાન થઈ હતી. આરોપી ચિરાગ જોશીએ કૃણાલભાઈને જણાવ્યું હતું કે, વારાણસીમાં તા. ૦૫-૦૩-૨૦૨૬થી ૧૧-૦૩-૨૦૨૬ દરમિયાન ભગવદ કથાનું આયોજન છે. જો તેઓ અને અન્ય ભુદેવો આવવા માંગતા હોય તો ટિકિટ બુક કરાવી આપી શકે છે. આ કથામાં જવા માટે ૪૫ ભુદેવો તૈયાર થયા હતા. આરોપીએ વ્યક્તિ દીઠ રૂ. ૩૩૦૦ લેખે કુલ રૂ. ૧,૪૮,૫૦૦ પોતાના મોબાઈલ નંબર પર ગુગલ પે મારફતે ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ રકમ તા. ૧૪-૦૧-૨૦૨૬થી ૨૮-૦૨-૨૦૨૬ના સમયગાળા દરમિયાન મેળવવામાં આવી હતી. જ્યારે વારાણસી જવાની તારીખ નજીક આવી અને કૃણાલભાઈએ ટિકિટ માંગી, ત્યારે આરોપીએ બહાનું કાઢયું કે એજન્ટે ટિકિટ બુક કરી નથી. અંતે જ્યારે પૈસા પરત માંગવામાં આવ્યા ત્યારે આરોપીએ પોતાની પાસે પૈસા નથી તેમ કહી પરત આપવાનો ઇનકાર કરી દીધો હતો. આમ, વારાણસી જવાની ટિકિટ બુક ન કરાવી કે પૈસા પરત ન આપી વિશ્વાસઘાત કર્યોે હતો. પેટલાદ ટાઉન પોલીસે આ મામલે આરોપી ચિરાગ જોશી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.