Vadodara Western Railways : રેલવે ટ્રેક આસપાસ વસવાટ કરતા લોકો દ્વારા વધતી જતી અનધિકૃત રીતે રેલવે ટ્રેક પાર કરવાની ઘટનાઓને રોકવા માટે પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગના રેલવે સુરક્ષા દળ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
અભિયાન અંતર્ગત ટ્રેક નજીક રહેતા સ્થાનિક નાગરિકોને અનધિકૃત રીતે રેલવે ટ્રેક પાર ન કરવા અંગે સમજાવવામાં આવી રહ્યું છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, રેલવે ટ્રેક પાર કરતી વખતે માત્ર અધિકૃત સમપાર ફાટક (લેવલ ક્રોસિંગ) અથવા નિર્ધારિત ફૂટ ઓવરબ્રિજ/અંડરપાસનો જ ઉપયોગ કરે. જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે રેલવે ટ્રેક ક્રોસ કરતા ઝડપાશે તો તેના વિરુદ્ધ રેલવે એક્ટ હેઠળ કેસ દાખલ કરી દંડાત્મક કાર્યવાહી કરાશે.
ફેબ્રુઆરી 2026 દરમિયાન આરપીએફ વડોદરા વિભાગ દ્વારા કુલ 871 વ્યક્તિઓ સામે કેસ નોંધી તેમની પાસેથી કુલ રૂ.13 હજારનો દંડ વસૂલ કરાયો હતો.
વડોદરા વિભાગે તમામ નાગરિકોને અપીલ કરી છે કે રેલવે ટ્રેક ક્રોસ કરવાની જોખમી પ્રવૃત્તિથી દૂર રહો. થોડો સમય બચાવવા લેવામાં આવતો શોર્ટકટ જીવન માટે ખતરનાક સાબિત થઈ શકે છે.


