- પોલીસે બન્ને શખ્સને સાથે રાખી ઘટનાનું રિ - કન્સ્ટ્રક્શન કર્યું
- 4 દિવસ પૂર્વે યુવાનને છરી વડે ઇજા કરી રોકડ મોબાઈલની લૂંટ ચલાવી હતી
શહેરના શિવાજી સર્કલ વિસ્તારમાં રહેતા દિશાબેન અશોકભાઈ ડાભી અને તેમના મંગેતર મનદીપસિંહ કાળિયાબીડ સરદાર પટેલ સ્કુલથી આગળ બોરતળાવ તરફ જતાં કાચા રોડ પર બન્ને વાત કરવા માટે ઉભા હતા. તેવામાં બોરતળાવ તરફથી એક સ્કુટર પર બે શખ્સો મોઢે રૂમાલ બાંધીને આવી ભાવિ કપાલને છરી બતાવી મનદીપસિંહના હાથમાંથી મોબાઈલ ફોન આંચકી લીધો હતો.છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી મોબાઈલ, ચાંદીના છડા અને રોકડ રકમ મળી રૂ.૩૦,૫૦૦ના મત્તાની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. બનાવ સંદર્ભે નિલમબાગ પોલીસે છરી વડે હુમલો કરી લૂંટ ચલાવનાર વિપુલ જીવરાજભાઈ જાદવ, હરેશ ઉર્ફે વિજય ભુપતભાઈ રાઠોડને ઝડપી લઈ પોલીસે બંનેને સાથે રાખી રિ - કન્સ્ટ્રક્શન કર્યું હતું. તદુપરાંત બન્ને શખ્સને કોર્ટમાં છ દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરતા બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.
બુકાનીધારીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
બન્ને શખ્સો મોટો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.તેમજ હરેશ ઉર્ફે વિજય ભુપતભાઈ રાઠોડ વિરુદ્ધ બોરતળાવ વિવિધ કલમો હેઠળ ૮ અને નિલમબાગ પોલીસ મથકમાં ૧ ગુનો નોંધાયો છે.જ્યારે વિપુલ જીવરાજભાઈ જાદવ વિરુદ્ધ બોરતળાવ વિવિધ કલમો હેઠળ ૬ ગુના નોંધાયા હોવાનું રોકડ રકમ ૨૬૦૦ રૂપિયા અને મોબાઈલ પોલીસે રિકવર કર્યાં હોવાનું નિલમબાગ પોલીસ મથકના પીઆઇ ભલગરિયાએ જણાવ્યું હતું.


