Get The App

હલધરવાસ અને મરીડા નજીક માર્ગ અકસ્માત, 4 લોકોને ઇજા પહોંચી

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
હલધરવાસ અને મરીડા નજીક માર્ગ અકસ્માત, 4 લોકોને ઇજા પહોંચી 1 - image

- ખેડા જિલ્લામાં વધુ બે અકસ્માતના બનાવ

- બંને અકસ્માત મુદ્દે જે-તિ વિસ્તારની પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ

નડિયાદ : મહેમદાવાદ તાલુકાના હલધરવાસ તેમજ મરીડા રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે-તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામે રહેતા રણજીતભાઈ પ્રતાપભાઈ સોઢા પરમાર તેમના કાકાના દીકરા શૈલેન્દ્ર જીગરભાઈ સોઢા પરમારને મોટરસાયકલ પર બેસાડી મસાણી માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાંથી તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે હલધરવાસ સરસવણી રોડ પર પસાર થતા હતા ત્યારે સામેથી ટ્રેક્ટરની ઓવરટેક કરી આવતી એક્ટિવા અથડાતા બાઈક ચાલક રણજીતસિંહ સોઢા પરમાર તેમજ તેમના કાકાના દીકરા શૈલેન્દ્ર સોઢા પરમારને ઈજા થઈ હતી. આ ઉપરાંત અકસ્માત સર્જનાર એક્ટિવા ચાલક મહેશભાઈ રમેશભાઈ ડાભી (રહે. ભરકુંડા)ને પણ ઇજા થઈ હતી. આ બનાવ અંગે રણજીતભાઈ પ્રતાપભાઈ સોઢા પરમારની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે એક્ટિવા ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

જ્યારે અકસ્માતના બીજા બનાવમાં નડિયાદ તાલુકાના હાથજની જૂની મુવાડીમાં રહેતા અર્જુનભાઈ કાંતિભાઈ સોલંકી તા.૧ એપ્રિલની સવારે મોટરસાયકલ લઇ નડિયાદ મલારપુરા નોકરી પર જતા હતા. આ દરમિયાન મરીડા રોડ ઉપર આગળ જતી મોટરસાયકલએ સાઈડ લાઈટ બતાવ્યા વગર ટર્ન મારતા મોટરસાયકલ પાછળ તેમની બાઈક અથડાતા બાઇક ચાલક અર્જુનસિંહ કાંતિભાઈ સોલંકીને ઇજા થઈ હતી. આ બનાવ અંગે અર્જુનભાઈ કાંતિભાઈ સોલંકીની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે બાઈક ચાલક પ્રવીણભાઈ અરવિંદભાઈ તળપદા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.