Get The App

VIDEO: રિક્ષામાં નજર ચૂકવી અમદાવાદમાં મુસાફરોના દાગીના-રોકડ સેરવતી ગેંગ ઝડપાઈ, 4 લાખનો મુદ્દામાલ જપ્ત

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: રિક્ષામાં નજર ચૂકવી અમદાવાદમાં મુસાફરોના દાગીના-રોકડ સેરવતી ગેંગ ઝડપાઈ, 4 લાખનો મુદ્દામાલ જપ્ત 1 - image


Ahmedabad News: અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરોને નિશાન બનાવી ચોરી કરતી ગેંગનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ગીતા મંદિર પાસેથી રિક્ષામાં બેઠેલા એક મુસાફરના પર્સમાંથી નજર ચૂકવીને લાખોના ઘરેણાં ચોરનાર બે શખસોને પોલીસે દબોચી લીધા છે. પકડાયેલા શખસો પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ અને ગુનામાં વપરાયેલી રિક્ષા મળી કુલ રૂ.4.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 

નજર ચૂકવી પર્સમાંથી દાગીના સાફ કર્યા

ઘટનાની વિગત મુજબ, ગત 3 મેના રોજ એક મુસાફર ગીતામંદિર વિસ્તારમાંથી રિક્ષામાં બેઠો હતો. આ રિક્ષામાં અગાઉથી જ ત્રણ શખસો પેસેન્જર તરીકે બેઠેલા હતા. મુસાફરી દરમિયાન આ શખસોએ પેસેન્જરનું ધ્યાન ભટકાવ્યું હતું અને પર્સમાંથી સોનાની ચેઈન, પેન્ડન્ટ, બુટ્ટીઓ અને રૂ.5,000ની રોકડ અત્યંત ચાલાકીથી ચોરી લીધી હતી. મુસાફરને આ અંગે જાણ થાય તે પહેલા જ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સથી તસ્કરો ટ્રેસ થયા

કાગડાપીઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસનો દોર સંભાળ્યો હતો. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે દાણીલીમડા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. એસટી વર્કશોપ પાસે આવેલા અદાણી સીએનજી પંપ પાસેથી પોલીસે શંકાસ્પદ રિક્ષા સાથે બે શખસોને ઝડપી પાડ્યા હતા.

VIDEO: રિક્ષામાં નજર ચૂકવી અમદાવાદમાં મુસાફરોના દાગીના-રોકડ સેરવતી ગેંગ ઝડપાઈ, 4 લાખનો મુદ્દામાલ જપ્ત 2 - image

ઝડપાયેલા આરોપીઓ

- સલીમભાઈ ઉર્ફે સલ્લો મોહમ્મદભાઈ શેખ (ઉં.વ.43):

- રિક્ષા ચાલક સમશેરખાન નામદારખાન પઠાણ (ઉં.વ.37)

4 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1.60 લાખની કિંમતનો સોનાની ચેઈન, રૂ.44,000ની કિંમતનું સોનાનું પેન્ડન્ટ, રૂ. 1.07 લાખથી વધુની કિંમતની 2 જોડી સોનાની બુટ્ટીઓ, ચાંદીના ઘરેણાં, રૂ.5,000 રોકડ અને રિક્ષા સહિત કુલ 4.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે 

આ પણ વાંચો: આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી

શહેરમાં અન્ય ગુનાઓની આશંકા

ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને કાગડાપીઠ પોલીસને સોંપી વધુ પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે આ ટોળકીએ અગાઉ પણ શહેરના અન્ય વિસ્તારોમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરતા મુસાફરોને આ જ રીતે નિશાન બનાવ્યા હોઈ શકે છે. આરોપીઓની અન્ય ગુનામાં સંડોવણી મામલે પોલીસે તપાસી હાથ ધરી છે.