Gujarat

યુકેના વર્ક પરમિટ વિઝાના બહાને રિક્ષાચાલક સાથે ૮.૧૪ લાખની ઠગાઇ

By GS TEAM
27 Feb 20262 mins read
યુકેના વર્ક પરમિટ વિઝાના બહાને રિક્ષાચાલક સાથે ૮.૧૪ લાખની ઠગાઇ

ઘરે ફર્નિચરનું કામ કરવા આવેલા પિતા પુત્રની

રૃપિયા આપ્યા છતાં કામ નહીં થતા પરત માંગતા હાથ અધ્ધર કરી દીધા ઃ ચાર સામે ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં વિદેશ જવાની ઘેલછામાં વધુ એક પરિવાર છેતરપિંડીનો ભોગ બન્યો છે. સરગાસણ વિસ્તારમાં રહેતા એક રિક્ષાચાલકના પુત્રને યુકેના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ચાર શખ્સોએ કુલ ૮.૧૪ પડાવી લઈ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

હાલમાં વિદેશ જવા માંગતા લોકોને છેતરવા માટે ઠગ ટોળકીઓ સક્રિય થઈ છે ત્યારે આ વખતે સરગાસણમાં રહેતા રીક્ષા ચાલક પુત્રને વિદેશ મોકલવા માટે લાખોની છેતરપિંડીનો ભોગ બન્યા છે. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સરગાસણમાં રહેતા ભરતકુમાર જેઠાભાઈ પરમારના ઘરે આશરે ત્રણેક વર્ષ પહેલા ફનચરનું કામ કરવા માટે સેક્ટર ૪-એમાં રહેતા મેહુલભાઈ રેવંતભાઈ પરમાર અને તેમનો પુત્ર હષલ પરમાર આવ્યા હતા. ભરતકુમારનો પુત્ર ચિરાગ યુકે જવાની ઈચ્છા ધરાવતો હોવાથી, મેહુલભાઈએ જણાવ્યું હતું કે, તેમના સાળા મૌલીકભાઈ સોલંકી યુકેમાં રહે છે અને વિઝાનું કામ કરે છે. જેથી તે ચિરાગને યુકેના વિઝા કરાવી આપશે અને આ પેટે આમ તો ૨૫ લાખ રૃપિયા થાય પરંતુ તમે ઓળખીતા હોવાથી ૧૬ લાખ રૃપિયાનો ખર્ચ થશે. જેના પગલે ભરતકુમાર અને તેમના પુત્રએ અલગ અલગ તારીખે બેંક ટ્રાન્સફર અને રોકડના માધ્યમથી કુલ ૧૫.૬૪ લાખ રૃપિયા ચૂકવી આપ્યા હતા. જોકે રૃપિયા ચૂકવવા માટે તેમણે લોન પણ લીધી હતી. આ રૃપિયા આપવા છતાં કામ થયું ન હતું. જેના કારણે તેમણે ડિસેમ્બર ૨૦૨૪ માં રૃપિયા પરત માગ્યા હતા. જેના પગલે ૭.૫૦ લાખ રૃપિયા પરત કર્યા હતા પરંતુ બાકીના ૮.૧૪ લાખ પરત આપવામાં આવતા ન હતા. જેથી તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ તથા સેક્ટર ૪માં રહેતા મેહુલભાઈ રેવંતભાઈ પરમાર, હષલ મેહુલભાઈ પરમાર, ચાંદખેડામાં રહેતા મૌલિક મહેન્દ્રભાઈ સોલંકી અને મહેન્દ્રભાઈ જેઠાભાઈ સોલંકી સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.