Gujarat

ઘર સફાઈના બહાને રિવોલ્વર, દાગીના ચોરનાર ઝડપાયો ઃ ત્રણની શોધખોળ

By GS TEAM
10 Oct 20252 mins read
ઘર સફાઈના બહાને રિવોલ્વર, દાગીના ચોરનાર ઝડપાયો ઃ ત્રણની શોધખોળ

ગાંધીનગર નજીક આવેલા કુડાસણની વસાહતમાં

લાઇટર સમજીને રિવોલ્વર લઈ ગયાની પોલીસ સમક્ષ કેફિયત ઃ ત્રણ દિવસના રિમાન્ડ ઉપર સોપાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના કુડાસણમાં આવેલી રાધે એમ્પાયર વસાહતમાં ઘર સફાઈ માટે આવેલા ચાર જેટલા શખ્સો દ્વારા ઘરમાંથી લાયસન્સવાળી રિવોલ્વર અને છ જીવતા કારતુસની સાથે સોનાના દાગીના પણ ચોરી લેવામાં આવ્યા હતાં. જે ગુનામાં પોલીસે મુખ્ય આરોપીને ઝડપી લીધો છે અને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

કુડાસણ ખાતે આવેલી રાધે એમ્પાયર વસાહતમાં રહેતા અને મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની પુંજાભાઈ જગમાલભાઇ બારડની પત્ની જશુબેન દ્વારા દિવાળી પર્વ નિમિત્તે ઘરની સફાઈ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેમના પાડોશીના ઘરે સફાઈ કરવા આવેલા ચાર માણસો પૈકી શંકરલાલ નારાયણલાલનો સંપર્ક કર્યો હતો. જેથી ગત સોમવારના રોજ શંકરલાલ અને તેમની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ તેમના ઘરે આવ્યા હતા અને આ દરમિયાન જશુબેન ઘરે એકલા હતા અને તેમના પતિ બહાર ગયા હતા. બીજા દિવસે જશુબેન ઘરનો સામાન ગોઠવી રહ્યા હતા તે દરમિયાન કબાટમાં જ્યાં લાઇસન્સ વાળી રિવોલ્વર રાખવામાં આવી હતી તે ખાનું ખુલ્લું હતું અને તપાસ કરતા અંદર રિવોલ્વર અને કારતુસ જોવા મળ્યા ન હતા. ઘરમાં તપાસ કરતાં ૭૫ હજારના દાગીના પણ ચોરાયા હતા. જેથી આ સંદર્ભે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની શોધખોળ શરૃ કરી હતી અને શંકરલાલ નારાયણલાલ આહારી રહે, કલાસાગર મોલ પાસે ઘાટલોડિયા, મૂળ ડુંગરપુર રાજસ્થાનને ઝડપી લીધો હતો અને તેની પાસેથી રિવોલ્વર કબજે કરી હતી. કોર્ટમાં રજૂ કરીને તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે ત્યારે તેના અન્ય ત્રણ સાગરીતોની પણ શોધખોળ શરૃ કરવામાં આવી છે. લાઈટર સમજીને તેણે રિવોલ્વર ચોરી હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી છે ત્યારે દાગીના અને કારતુસની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.