Get The App

છગનભાઈની ચાલીમાં ગટરના પાણી ઉભરાતા રહીશોનો વોર્ડ કચેરીએ મોરચો

દૂષિત પાણી ઘરોમાં ઘૂસતા રોગચાળો ફેલાવાની ભીતિ, સમસ્યાના કાયમી ઉકેલની માગ

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
છગનભાઈની ચાલીમાં ગટરના પાણી ઉભરાતા રહીશોનો વોર્ડ કચેરીએ મોરચો 1 - image

શહેરના વાર્ડ નંબર ૮માં સમાવિષ્ટ પ્રિયલક્ષ્મી મિલ ગરનાળા પાસે આવેલી છગનભાઈની ચાલી વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા છેલ્લા ઘણા દિવસોથી યથાવત છે.

આ મુદ્દે તાજેતરમાં રહીશોએ એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો, છતાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતા આજે સામાજિક કાર્યકરની આગેવાનીમાં રહીશો વોર્ડ નંબર ૮ની કચેરીએ મોરચો લઈને પહોંચ્યા હતા.

રજુઆત માટે કચેરીએ પહોંચેલા રહીશોને ત્યાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન મળતા ભારે નારાજગી જોવા મળી હતી. રહીશોનું કહેવું છે કે, છેલ્લા ઘણાદિવસોથી ડ્રેનેજના પાણી બેક મારી રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકી અને અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે મચ્છરજન્ય તથા અન્ય ચેપજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ પણ ઉભી થઈ છે.

સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે, ડ્રેનેજની સમસ્યા એટલી વિકટ બની છે કે, કેટલાક રહીશોના ઘરોમાં દૂષિત પાણી ઘૂસી રહ્યું છે. સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવા આવેદનપત્ર મારફતે રજૂઆત કરવામાં આવી છે. સ્માર્ટ સિટીના મોટા દાવાઓ વચ્ચે આજે પણ નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ માટે સંઘર્ષ કરવો પડે છે.

રહીશોએ ચીમકી આપી છે કે, જો તાત્કાલિક ધોરણે ડ્રેનેજની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.