Get The App

ચૂંટણી ટાણે જનતાનો 'પાવર': અમદાવાદમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના નેતાઓને લોકોએ તગેડી મૂક્યા, જુઓ વાઈરલ VIDEO

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
ચૂંટણી ટાણે જનતાનો 'પાવર': અમદાવાદમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના નેતાઓને લોકોએ તગેડી મૂક્યા, જુઓ વાઈરલ VIDEO 1 - image


Ahmedabad News : ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે નેતાઓ મતોની  માગ સાથે જોળી ફેલાવીને જનતાના દ્વારે પહોંચી રહ્યા છે, પરંતુ જનતા હવે માત્ર આશ્વાસનોથી સંતોષ માનવા તૈયાર નથી. અમદાવાદના અસારવા અને વાસણા વિસ્તારમાં પ્રચાર માટે નીકળેલા ભાજપના ઉમેદવારો અને પૂર્વ કોર્પોરેટરોને સ્થાનિકોના ઉગ્ર આક્રોશનો સામનો કરવો પડ્યો છે.

અસારવા: 'તમને અહીં આવતા શરમ આવવી જોઈએ'

અસારવા વોર્ડની ઓમનગર અને કિસ્મત સોસાયટીમાં જ્યારે ભાજપનું ‘લશ્કર’ પ્રચાર માટે પહોંચ્યું, ત્યારે રહીશોનો પિત્તો ગયો હતો. છેલ્લા 6 મહિનાથી ગટરના ગંદા પાણીની સમસ્યાથી ઝઝૂમતી જનતાએ નેતાઓને સોસાયટીમાં ઘૂસવા જ ન દીધા. સ્થાનિકોનો આરોપ છે કે જ્યારે બાળકો ઝાડા-ઉલ્ટીના ખાટલે હતા અને બોર્ડની પરીક્ષાઓ ચાલતી હતી, ત્યારે કોઈ નેતા ડોકાયું નહોતું.

રહીશોએ રોષ ઠાલવતા કહ્યું કે, પૂર્વ કોર્પોરેટર અનુબેન પટેલે અગાઉ ફોન પર 'તમારા વોટની જરૂર નથી' તેવો અહંકાર બતાવ્યો હતો, તો હવે કયા મોઢે વોટ માંગવા આવ્યા છો? 'ભાજપ ભગાવો'ના નારા સામે કાર્યકર્તાઓએ 'ભારત માતા કી જય'ના નારા લગાવી બચાવનો પ્રયાસ કર્યો હતો, પણ લોકોની વેદના આગળ નેતાઓનું જોર ચાલ્યું નહીં.

વાસણા: 'ધીરે બોલ...' કહેતા નેતાને જનતાએ બતાવી દીધો અરીસો

બીજી તરફ વાસણા વિસ્તારમાં પણ ભાજપના ઉમેદવાર મેહુલ શાહને લોકોએ ઘેરી લીધા હતા. વર્ષોથી ડ્રેનેજ અને પાણીની સુવિધા માટે વલખા મારતા લોકોએ જ્યારે સવાલો પૂછ્યા, ત્યારે નેતાએ નમ્રતા દાખવવાને બદલે પાવર બતાવતા કહ્યું કે, "તુ પહેલા ધીરે બોલ મને સંભળાય છે, શાંતિથી વાત કર." નેતાનો આવો મિજાજ જોઈ લોકો વધુ ભડક્યા હતા અને નેતાની બોલતી બંધ કરી દીધી હતી. જ્યારે લોકોએ વીડિયો ઉતારવાનું શરૂ કર્યું ત્યારે નેતાજી 'વીડિયો ન ઉતારીશ' કહીને બચતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: છોટા ઉદેપુરમાં મનીષાબહેન વકીલને લોકોએ ઘેર્યા, મંત્રીએ કહ્યું- ગાંધીનગર સુધી રજૂઆત કરીશું

સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ

અમદાવાદના આ બંને વિસ્તારોમાં નેતાઓ અને જનતા વચ્ચે થયેલી આ તડાફડીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. શું આ જનતાનો સ્પષ્ટ સંકેત છે કે "કામ નથી કર્યું, તો મત પણ નહીં?."