Get The App

છોટા ઉદેપુરમાં મનીષાબહેન વકીલને લોકોએ ઘેર્યા, મંત્રીએ કહ્યું- ગાંધીનગર સુધી રજૂઆત કરીશું

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
છોટા ઉદેપુરમાં મનીષાબહેન વકીલને લોકોએ ઘેર્યા, મંત્રીએ કહ્યું- ગાંધીનગર સુધી રજૂઆત કરીશું 1 - image


Minister Manishaben Vakil Chhotaudepur Visit: ચૂંટણીના માહોલમાં જ્યારે મંત્રીઓ પ્રચાર માટે મેદાનમાં ઉતરે છે ત્યારે જનતાના પાયાના પ્રશ્નો તેમની સામે પડકાર બનીને ઊભા રહે છે. આવું જ કંઈક છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે જોવા મળ્યું. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી સભા સંબોધવા આવેલા પ્રભારી મંત્રી મનીષાબહેન વકીલ સમક્ષ ગ્રામજનોએ વર્ષોથી વણઉકલ્યા પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો.

ગામ ડૂબે છે, નિકાલ ક્યારે?

પાણેજ ગામના લોકોએ મંત્રીને સીધો સવાલ કર્યો કે ગામ નીચાણવાળા વિસ્તારમાં છે અને રોડ ઊંચો હોવાને કારણે પૂર આવે ત્યારે ગામમાં પાણી ભરાઈ જાય છે. ગ્રામજનોએ યાદ અપાવ્યું કે 2006, 2008, 2012, 2013 અને 2022માં ગામમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. પૂરના પાણીના નિકાલ માટે વર્ષોથી રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાયમી ઉકેલ કે ગટર લાઇનની વ્યવસ્થા કરવામાં આવી નથી. 

આ પણ વાંચો : ચૂંટણી પહેલા ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ, દમણથી વલસાડ આવતી બોટમાંથી 50 લાખનો દારૂ ઝડપાયો

સસ્તા અનાજ માટે નદી ઓળંગવાની જીવલેણ મજબૂરી

સભા દરમિયાન એક મહિલાએ હિંમતપૂર્વક મંત્રીની ગાડી પાસે જઈને રેશનિંગની સમસ્યા રજૂ કરી હતી. મહિલાએ જણાવ્યું કે, પાણેજ ગામમાં સસ્તા અનાજની દુકાન નથી. અનાજ લેવા માટે પાંચ કિલોમીટર દૂર ગેલપુર ગામ જવું પડે છે.ટૂંકા રસ્તા માટે લોકોએ જીવના જોખમે નદી ઓળંગવી પડે છે. વધુમાં, ત્યાં પૂરતો જથ્થો પણ આપવામાં આવતો નથી તેવી ગંભીર ફરિયાદ કરી હતી.

મંત્રીની ગાંધીનગર સુધીની સલાહ અને પાંખી હાજરી

લોકોના વેધક સવાલો સાંભળીને મંત્રી મનીષાબહેન વકીલ વિમાસણમાં મૂકાઈ ગયા હતા. પહેલા લોકોની મુશ્કેલીઓ વિશે પૂછ્યા બાદ જ્યારે આક્રોશ વધ્યો ત્યારે તેમણે સવાલ પૂછવાનું ટાળ્યું હતું. તેમણે છેવટે ગાંધીનગર સુધી તમારી રજૂઆતો મોકલજો તેમ કહી ઉમેદવારોને પ્રશ્નો નોંધી લેવા સૂચના આપી સભા આગળ વધારી હતી.

ભાજપના બળવાખોર ઉમેદવારનો પડકાર

નોંધનીય છે કે, આ બેઠક પર ભાજપના જ બળવાખોર ઉમેદવાર અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે, જેને કારણે ભાજપ માટે સ્થિતિ મુશ્કેલ બની છે. મંત્રીની સભામાં પણ મેદની ઓછી જોવા મળી હતી, જે પક્ષ માટે ચિંતાનો વિષય છે.