કૌભાંડની નવી રીત : તમારા નામે ફ્લેટ ખરીદવા દો, બદલામાં દર મહિને 10 હજારની ગેરેન્ટેડ આવક આપીશું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime: અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રિયલ એસ્ટેટની ઓફિસ ખોલીને મધ્યમ વર્ગના લોકોને દર મહિને રૂપિયા 10 હજારની 'ગેરેન્ટેડ આવક'ની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર પિતા-પુત્ર સામે આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં રહેતા રાકેશ શાહ અને તેમનો પુત્ર હર્ષદ શાહ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે.
શું હતી આ 'ગેરેન્ટેડ આવક'ની સ્કીમ?
આનંદનગરના અરીસ્તા બિઝનેસ હબમાં ઓફિસ ધરાવતા આ પિતા-પુત્ર લોકોને ફસાવવા માટે એક અનોખી સ્કીમ ચલાવતા હતા. તેઓ મધ્યમ વર્ગના વ્યક્તિઓને તેમના નામે ફ્લેટ ખરીદવા માટે લલચાવતા હતા અને બદલામાં દર મહિને રૂપિયા 10 હજારની નિશ્ચિત આવકની ખાતરી આપતા હતા. તેમની મોડસ ઓપરેન્ડી મુજબ, તેઓ વ્યક્તિના નામે ફ્લેટ ખરીદતા અને તેના પર બેન્કમાંથી લોન મંજૂર કરાવતા. આ લોનની રકમમાંથી 50 ટકા નાણાં બિલ્ડર પાસેથી પરત લઈને દુબઈમાં ગોલ્ડમાં રોકાણ કરવામાં આવતા હતા, જેના બદલામાં રોકાણકારને દર મહિને નિશ્ચિત વળતર આપવામાં આવતું હતું.
કેવી રીતે ફૂટ્યો ભાંડો?
વાડજમાં રહેતા અને ફ્રીલાન્સર એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા ઉપેશભાઈ દરજી પણ આ સ્કીમનો ભોગ બન્યા હતા. તેમના કાકા દીપકભાઈના કહેવાથી તેમણે આ સ્કીમમાં વિશ્વાસ મૂક્યો હતો. રાકેશ શાહ અને તેમના પુત્રે તેમને સાણંદના સંચાણા ગામે 'આગમ-99' નામની સ્કીમમાં 15 લાખનો ફ્લેટ બતાવ્યો અને તેમના નામે એલિસબ્રિજની એક ફાઇનાન્સ કંપનીમાંથી 13.76 લાખની લોન મંજૂર કરાવી હતી. જેનો પ્રતિમાસ હપતો રૂ. 16 હજાર હતો.
શરૂઆતમાં રાકેશ શાહે ઉપેશભાઈને 27 મહિના સુધી કુલ રૂ. 2.70 લાખનું વળતર આપ્યું હતું અને લોનના હપતા પણ નિયમિત ભર્યા હતા. આ દરમિયાન તેમણે ઉપેશભાઈ અને અન્ય રોકાણકારોને વધુ લાલચ આપી હતી કે જો તેઓ બીજા લોકોને પણ આ સ્કીમમાં લાવશે તો તેમને દર મહિને વધારાના રૂ. 5 હજાર મળશે. આ લાલચમાં આવીને ઉપેશભાઈએ અન્ય 10થી વધુ લોકોના નામે પણ ફ્લેટ ખરીદાવ્યા હતા. પરંતુ, થોડા સમય બાદ રાકેશ શાહ અને તેમના પુત્રે લોનના હપતા ભરવાનું બંધ કરી દેતા અને વળતર પણ અટકાવી દેતા રોકાણકારોને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થઈ હતી.
કરોડોનું કૌભાંડ ખૂલવાની શક્યતા આ સમગ્ર મામલે આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા રાકેશ શાહ, હર્ષદ શાહ તેમજ આ સ્કીમમાં સંડોવાયેલા બિલ્ડરોની પણ પૂછપરછ કરવામાં આવશે. પોલીસના જણાવ્યા મુજબ, આ એક મોટું કૌભાંડ હોવાની અને તેમાં કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની પ્રબળ શક્યતા છે.








