Get The App

ચોટીલા: 30મી ડિસેમ્બરે ડુંગર પર યાત્રાળુઓ માટે 4 કલાક 'પ્રવેશબંધી', રાજ્યકક્ષાની સ્પર્ધાને લઈ લેવાયો નિર્ણય

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
ચોટીલા: 30મી ડિસેમ્બરે ડુંગર પર યાત્રાળુઓ માટે 4 કલાક 'પ્રવેશબંધી', રાજ્યકક્ષાની સ્પર્ધાને લઈ લેવાયો નિર્ણય 1 - image

Chotila News: પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આગામી 30મી ડિસેમ્બરના રોજ છઠ્ઠી રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રમત-ગમત વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સ્પર્ધાના સુચારુ સંચાલન અને સુરક્ષાના હેતુથી 30મી ડિસેમ્બરે સવારે 4 કલાક માટે યાત્રાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સવારે 6થી 10 વાગ્યા સુધી પ્રતિબંધ

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે. ઓઝા દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા મુજબ, 30મી ડિસેમ્બર 2025ના રોજ સવારે 6:00થી 10:00 વાગ્યા સુધી ચોટીલા પર્વતની સીડીઓ પર સામાન્ય નાગરિકો અને યાત્રાળુઓની અવર-જવર પર સંપૂર્ણ મનાઈ રહેશે. આ સમયગાળા દરમિયાન માત્ર સ્પર્ધામાં ભાગ લેનારા રમતવીરો જ પર્વતની સીડીઓનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો: 1 જાન્યુઆરીથી તમામ કોર્ટમાં A-4 સાઈઝ કાગળ જ વપરાશે, ગુજરાતી-ઈંગ્લિશના ફોન્ટ વિશે પણ ફરમાન

શા માટે લેવાયો આ નિર્ણય?

ચોટીલા ડુંગર પર દરરોજ હજારો યાત્રાળુઓ આવતા હોય છે. સ્પર્ધા દરમિયાન ભીડને કારણે સ્પર્ધકોની ઝડપમાં અવરોધ ન આવે તે માટે આ નિર્ણય લેવાયો છે. ડુંગરની સીડીઓ સાંકડી હોવાથી રમતવીરોની દોડ દરમિયાન સામાન્ય લોકો સાથે ટકરાવ કે ધક્કામુક્કી જેવી ઘટનાઓ ન બને અને જાનહાનિ નિવારી શકાય તે માટે 4 કલાકનો પ્રતિબંધ આવશ્યક ગણાયો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.

જાહેરનામાના ભંગ બદલ કડક કાર્યવાહી

આ આદેશ સ્પર્ધાના આયોજન સાથે જોડાયેલા અધિકારીઓ અને સ્વયંસેવકોને લાગુ પડશે નહીં. જો કે, જો કોઈ સામાન્ય નાગરિક આ સમયગાળા દરમિયાન ડુંગર પર ચઢવાનો પ્રયાસ કરશે, તો તેની સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની સત્તા સોંપવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ સ્પર્ધાના સમયને ધ્યાનમાં રાખીને દર્શનના સમયમાં ફેરફાર કરે, જેથી કોઈ અસુવિધા ન થાય અને રાજ્યકક્ષાની આ સ્પર્ધા નિર્વિઘ્ને સંપન્ન થઈ શકે.