મ્યુનિ. કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓએ આજે તેઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ફરી એક વખત ડેપ્યુટી. મ્યુનિ. કમિશ્નરને રજૂઆત કરી છે.
કર્મચારીઓએ વેતન ધોરણ, પ્રમોશન, કાયમીકરણ અને રિસ્ક એલાઉન્સ સહિતના મુદ્દાઓના ઉકેલની માગ કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે મ્યુનિ. કોર્પોેરેશન દ્વારા વેતન ધોરણ અને કર્મચારીઓના પ્રમોશન સંબંધિત નિયમોનું યોગ્ય રીતે પાલન કરાતું નથી. ફિલ્ડમાં કામગીરીનો લાંબો અનુભવ ધરાવતા કર્મચારીઓને પ્રમોશન ન મળતા અસંતોષની લાગણી વ્યાપી છે અને ટીમવર્ક પર પણ તેની નકારાત્મક અસર પડી રહી છે.
ફાયર વિભાગમાં હાલમાં માત્ર ત્રણ જ કાયમી ડ્રાઇવર હોવાનું જણાવતાં કર્મચારીઓએ સ્ટાફની અછત તરફ ધ્યાન દોર્યું છે. કોન્ટ્રાક્ટના કર્મચારીઓને માત્ર રૃ.૧૪ હજાર જેટલું વેતન મળતું હોવા છતાં કામગીરીનું ભારણ સતત વધી રહ્યું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. છેલ્લા ૨૦ વર્ષથી સેવા આપતા કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેવી પણ માગ કરાઈ છે.
વધુમાં ઉમેર્યું કે અન્ય વિભાગોના કર્મચારીઓને મળતું ખાસ ભથ્થું (રિસ્ક એલાઉન્સ) રૃા.૩૦૦થી વધારીને રૃા.૧ હજાર કરાયું છે, પરંતુ જીવના જોખમે ફરજ બજાવતા ફાયર વિભાગના કર્મચારીઓને તેનો યોગ્ય લાભ મળતો નથી. હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખીને ફાયર કર્મચારીઓના રિસ્ક એલાઉન્સમાં પણ વધારો કરવામાં આવે તેવી માગ છે.
આ ઉપરાંત, અગાઉ સસ્પેન્ડ કરાયેલા કર્મચારી અને અધિકારીને પુનઃ ફરજ પર લેવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ છે.


