વડોદરાઃ અગાઉ તા.૩ મેના રોજ લેવાયેલી નીટની પરીક્ષાના પેપર કરતા આજે ફરી લેવાયેલી નીટની પરીક્ષાનું પેપર અઘરુ હોવાનો મત શિક્ષકોએ વ્યક્ત કર્યો હતો.ખાસ કરીને આજના પેપરમાં ફિઝિક્સના કેટલાક પ્રશ્નો મધ્યમ કક્ષાના અને કેટલાક પ્રશ્નો અઘરા હતા.
શિક્ષક જગદીશ નિમાવતે કહ્યું હતું કે, અગાઉની નીટ પરીક્ષામાં બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એમ ત્રણેય સેક્શનના પ્રશ્નો સહેલા હતા.જ્યારે આજે લેવાયેલી નીટ પરીક્ષામાં માત્ર બાયોલોજી સેક્શનના ૯૦ પ્રશ્નો સરળ હતા.જ્યારે ફિઝિકસમાં મોટાભાગના પ્રશ્નો કાં તો મધ્યમ સ્તરના અથવા અઘરા હતા.ખાસ કરીને ગણતરી આધારિત પ્રશ્નો સમય માગી લે તેવા હતા.મુખ્યત્વે તેમાં કરન્ટ ઈલેક્ટ્રિસિટી, ઈલેક્ટ્રોસ્ટેટેસ્ટિકસ અને મિકેનિક્સને લગતા સવાલો પૂછાયા હતા.
જ્યારે કેમેસ્ટ્રીના સવાલો મધ્યમથી સરળ રહ્યા હતા.પ્રશ્નો એનસીઆઈઆરટીના પાઠય પુસ્તક આધારિત હતા.ઓર્ગેનિક કેમેસ્ટ્રીના કેટલાક પ્રશ્નો વિદ્યાર્થીઓની બુધ્ધિક્ષમતાની કસોટી કરે તેવા હતા.જ્યારે ફિઝિકલ કેમેસ્ટ્રીની ફોર્મ્યુલાઓ સીધે સીધી પૂછવામાં આવી હતી.
ત્રણે સેક્શનમાં બાયોલોજી વિભાગ સૌથી સરળ હતો.પ્રશ્નો પણ એનસીઈઆરટી પાઠય પુસ્તકમાંથી ઝાઝા ફેરફાર વગર પૂછાયા હતા.હ્યુમન ફિઝિઓલોજી, જેનેટિક્સ અને બાયોટેકનોલોજી વિષયને મહત્વ અપાયું હતું.
દરેક કેન્દ્ર પર ૬૦૦ વિદ્યાર્થીઓ માટે ૧૫૦ થી ૨૦૦ કર્મચારીઓ
દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસ ઉપરાંત કેન્દ્રીય સુરક્ષા દળના જવાનો, ડોકટરો અને નર્સોની ટીમ, બાયોમેટ્રિક માટેની ટીમ, મેટલ ડિટેકટર ચેકિંગ કરનારા કર્મચારીઓ, દરેક વર્ગમાં બે સુપરવાઈઝરો એમ સુપરવિઝન કરનારા કર્મચારીઓ એમ ગણતરી કરવામાં આવે તો સરેરાશ ૧૫૦ થી ૨૦૦ કર્મચારીઓએ ફરજ બજાવી હતી.તેની સામે દરેક પરીક્ષા કેન્દ્ર પર સરેરાશ ૬૦૦ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
વિદ્યાર્થિનીને અધ્યાપકે કારમાં બેસાડી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી
એક વિદ્યાર્થિની ભૂલથી નિઝામપુરા ખાતે આવેલા ડોનર્સ પ્લાઝાના એમકોમ બિલ્ડિંગની જગ્યાએ કોમર્સ ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગ પર પહોંચી ગઈ હતી.તેની પાસે વાહન પણ નહોતું અને પ્રવેશ માટેની ડેડલાઈનમાં ગણતરીની મિનિટો બાકી હતી ત્યારે ફેકલ્ટીના એક અધ્યાપકે પોતાની ગાડીમાં બેસાડીને વિદ્યાર્થિનીને એમકોમ બિલ્ડિંગ સુધી પહોંચાડી હતી.
માત્ર સાત મિનિટ મોડા પડેલા વિદ્યાર્થીને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ ના અપાયો
શહેરના હરણી ખાતેની કેન્દ્રીય વિદ્યાલયમાં માત્ર સાત મિનિટ મોડા પડેલા હેત પરમાર નામના વિદ્યાર્થીને પ્રવેશ અપાયો નહોતો અને આ વિદ્યાર્થીના અરમાનો પર પાણી ફરી વળ્યા હતા.આ વિદ્યાર્થી ભૂલથી બીજી કેન્દ્રીય વિદ્યાલય પર પહોંચી ગયો હતો અને તેના કારણે તેને માત્ર સાત મિનિટ મોડુ થયું હતું.આમ છતા કેન્દ્ર સંચાલકો અને સુરક્ષા કર્મીઓ એકના બે થયા નહોતા. વિદ્યાર્થીએ કાકલૂદી કર્યા પછી પણ સંચાલકોનું જડ વલણ યથાવત રહ્યું હતું.વાલીએ ભારે ઉહાપોહ કર્યો હતો અને આ મુદ્દે પીએમ ઓફિસમાં ફરિયાદ કરવાની ચીમકી આપી હતી.
નિરુત્સાહ થઈ ગયો હતો પણ ભાઈએ સપોર્ટ આપ્યો
માંજલપુર વિસ્તારમાં રહેતા વ્રજ પટેલે કહ્યું હતું કે, નીટ પરીક્ષાનું પેપર લીક થયા બાદ હું હતોત્સાહ થઈ ગયો હતો પણ મારા ભાઈ શિવમ પટેલે મને સપોર્ટ આપ્યો હતો.તે પોતે પણ નીટ પાસ કરીને એમબીબીએસ કર્યા બાદ હવે પીજી માટે તૈયારી કરી રહ્યો છે.
તૈયારી તો છે પણ પહેલા જેવો આત્મવિશ્વાસ નથી
નિકિતા નામની વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, પહેલી વખત મેં પરીક્ષા આપી હતી ત્યારે પેપર સારુ ગયું હતું અને તૈયારી તો પહેલેથી જ કરી હતી.હવે ફરી વખત પરીક્ષા આપવા માટે પહેલો જેવો આત્મ વિશ્વાસ નથી.આશા રાખીએ છે કે, આવતા વર્ષે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેમને ફરી પરીક્ષા આપવાનો વારો ના આવે.
એક મહિનો તૈયારી કરવા વધારે મળ્યો તેવું માની લીધું
ગોરવા વિસ્તારમાં રહેતા ધૈર્ય રાઠવા નામના વિદ્યાર્થીએ કહ્યું હતું કે, એવું વિચાર્યું છે કે, એક મહિનો તૈયારી કરવા માટે વધારો મળ્યો છે અને સારુ પરિણામ લાવવા માટે મેં વધારે મહેનત કરી છે.આશાવાદી બનીને હું પરીક્ષા આપી રહ્યો છું.


