શ્રાવણી પૂર્ણિમાએ રક્ષાબંધન: આ વખતે ભદ્રા-ગ્રહણનો છાયો નહીં, આખો દિવસ બાંધી શકાશે રાખડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rakshabandhan Shubh Muhurat: ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને રક્ષણના પ્રતીક સમાન રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવશે. આ વર્ષે 28 ઑગસ્ટ 2026, શુક્રવારના રોજ ઉજવાનારા રક્ષાબંધન અંગે જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા જણાવે છે કે, આ વખતે પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી તેમજ કોઈ વિષ્ટિ દોષ(ભદ્રા) ન હોવાથી શ્રદ્ધાળુઓ અને બહેનો આખો દિવસ કોઈપણ સમયે પોતાના ભાઈને રાખડી બાંધી શકશે.
સતયુગથી કલિયુગ સુધી રક્ષાસૂત્રની પૌરાણિક કથાઓ
શાસ્ત્રો અને વિદ્વાનોના જણાવ્યા અનુસાર, રક્ષાસૂત્ર બાંધવાની પ્રથા સતયુગથી ચાલી આવે છે.
સતયુગ: દેવ અને દાનવો વચ્ચેના યુદ્ધમાં જ્યારે દેવો નિર્બળ પડવા લાગ્યા, ત્યારે દેવરાજ ઇન્દ્રે દેવગુરુ બૃહસ્પતિ પાસે આશીર્વાદ માંગ્યા હતા. શ્રાવણ સુદ પૂનમે દેવગુરુએ સિદ્ધ કરેલું રક્ષાસૂત્ર ઇન્દ્રની પત્ની શચીએ ઇન્દ્રના કાંડા પર બાંધ્યું હતું, જેનાથી દેવોનો વિજય થયો હતો.
ત્રેતાયુગ: ત્રેતાયુગમાં રાજાના પુરોહિતો દ્વારા રાજાના રક્ષણ માટે રક્ષાસૂત્ર બાંધવામાં આવતું અને પ્રજા પોતાના ગુરુજનો પાસેથી રક્ષાસૂત્ર બંધાવતી હતી.
દ્વાપરયુગ: મહાભારત કાળમાં શ્રીકૃષ્ણના હાથમાં ઈજા થતાં દ્રૌપદીએ પોતાની સાડીનો પાલવ ફાડીને તેમના કાંડા પર બાંધ્યો હતો. જેના બદલામાં શ્રીકૃષ્ણે ચીરહરણ વખતે દ્રૌપદીની લાજ રાખીને રક્ષા કરી હતી.
કલિયુગ અને ઇતિહાસમાં રક્ષાબંધનનું મહત્ત્વ
કલિયુગમાં પણ આ પરંપરા અવિરત ચાલુ છે, જ્યાં બહેન ભાઈના દીર્ઘાયુ અને રક્ષણ માટે રક્ષાસૂત્ર બાંધે છે અને ભાઈ બહેનની આજીવન રક્ષા અને સુખ-સમૃદ્ધિનું ધ્યાન રાખવાની જવાબદારી નિભાવે છે.
ઇતિહાસમાં પણ આનો એક અમર પ્રસંગ જોવા મળે છે, જ્યારે મેવાડ પર દુશ્મનોએ આક્રમણ કર્યું ત્યારે મેવાડની મહારાણી કર્ણાવતીએ પોતાના રાજ્યની રક્ષા અને સહાય મેળવવા માટે મુઘલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી હતી. આમ, રક્ષાબંધન એ માત્ર એક દોરો નથી પણ રક્ષણ, સ્નેહ અને સમર્પણનું મહાન પવિત્ર પર્વ છે.




