Get The App

રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરીનો કેસ: મહેસાણા વેચવા જતાં એક આરોપીની 40 કિલો ચાંદી સાથે ધરપકડ

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરીનો કેસ: મહેસાણા વેચવા જતાં એક આરોપીની 40 કિલો ચાંદી સાથે ધરપકડ 1 - image


Rajkot Silver Theft Case: રાજકોટમાં થયેલી 120 કિલો ચાંદીની ચોરી ચકચારી કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે, ટીમે બાતમીના આધારે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને 40 કિલો ચાંદીના જથ્થા સાથે એક આરોપી પ્રદીપ પ્રજાપતિને ઝડપી લીધો છે, જ્યારે અન્ય મુદ્દામાલ જેની પાસે છે તેવા એક મુખ્ય આરોપીને શોધવા સુરત અને વડોદરામાં ચક્રો ગતિમાન કર્યા છે.

મહેસાણામાં વેચવા જતો હતો

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ચોરાયેલો મુદ્દામાલ મહેસાણામાં વેચવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન જ ક્રાઈમ બ્રાન્ચે આ કાર્યવાહી કરી હતી. હાલમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક મુખ્ય આરોપીને પકડવા માટે સુરત અને વડોદરામાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.

120 થી 125 કિલોગ્રામ ચાંદીની કરી હતી ચોરી

મહત્વનું છે કે, ગત 4 ફેબ્રુઆરીએ રાજકોટ ચંપક નગરમાં 120 થી 125 કિલોગ્રામ ચાંદી(અંદાજિત રકમ 1 કરોડથી વધુ)ની ચોરીની મોટી ઘટના સામે આવી  હતી. તસ્કરો રાત્રે 2 થી 2.30 વાગ્યા આસપાસ ફોર વ્હીલર લઈને આવ્યા હતા. વેપારીના પરિચિત બિપિનભાઈનું ઘર ટાર્ગેટ હતું. ઘરમાં ઘૂસીને 120 થી 125 કિલોગ્રામ, કિંમતે 1 કરોડથી વધુની ચાંદી ચોરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ બિપિનભાઈએ વેપારી અતુલભાઈ પટેલને કરી હતી, તેમણે તાત્કાલિક પોલીસ અને ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરી હતી. જે પછી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીઓની ભાળ મેળવવા ચોતરફ તપાસ આદરી હતી.