Get The App

રાજકોટ મેટોડા GIDC પાસે ગોઝારો અકસ્માત! ટ્રકે રિક્ષાને મારી ટક્કર, બે સગા ભાઈ સહિત 4ના મોત

Updated: Mar 4th, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટ મેટોડા GIDC પાસે ગોઝારો અકસ્માત! ટ્રકે રિક્ષાને મારી ટક્કર, બે સગા ભાઈ સહિત 4ના મોત 1 - image


Rajkot News: રાજકોટના ઔદ્યોગિક હબ ગણાતા મેટોડા GIDC વિસ્તારમાં ગત રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતા એક ટ્રકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષામાં સવાર ચાર લોકોના કંપારીભર્યા મોત નીપજયાં છે. અડફેટ એટલી ભયાવહ હતી કે રિક્ષા પડીકું વળી ગઈ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસની ટીમે તેને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે.

એક રિક્ષા ચાલક સહિત ચારના મોત

કાલાવડ રોડ પર આવેલા મેટોડા GIDC ગેઈટ નંબર-3 પાસે, ખાનગી કારખાનાની નજીક મંગળવારની રાત્રે અંદાજે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. GJ03BY8889 નંબરના ટ્રકે સામેથી આવતી GJ03BX5656 નંબરની રિક્ષાને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત ચાર લોકોના મોત થયા છે. 

પરિવારમાં આક્રંદ

જેમાંથી રિક્ષા ચાલક સુનિલ મચ્છોનગરનો રહેવાસી હતો અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બે માસૂમ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ છવાયો છે. વિશાલ અને વિજય ગાંગડિયા આ બંને સગા ભાઈઓ મૂળ સુરેન્દ્રનગરના હતા અને મેટોડામાં પેઈન્ટિંગનું કામ કરતા હતા. બે જુવાનજોધ દીકરાઓના મોતથી પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે. તેમજ અન્ય એક શ્રમિકનું પણ આ અકસ્માતમાં મોત થયું છે, જેની ઓળખ મેળવવા પોલીસ હાલ મથામણ કરી રહી છે.

આ પણ વાંચો: VIDEO: ખાંભાના બોરાળા ગામે કૂવામાં ખાબકેલા મગરનું વનવિભાગે કર્યું રેસ્ક્યુ, નજીકની નદીમાં છોડવામાં આવ્યો

બનાવની ગંભીરતા જોઈને જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ભાગી છૂટેલા આરોપી ટ્રક ચાલક બંસીભારતી બટુકભારતી ગોસ્વામી (રહે. ઓખા)ની ધરપકડ કરી છે. અકસ્માતનું સચોટ કારણ જાણવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોના પરિવારને જાણ કરી ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.