Gujarat

બરવાળામાંથી ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાનનો શખ્સ ગિરફ્તાર

By GS TEAM
4 Mar 20261 min read
બરવાળામાંથી ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાનનો શખ્સ ગિરફ્તાર

- રાજસ્થાનથી બરવાળામાં ડિલિવરી કરવાની હતી

- લોકલ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ, રોકડ, મોબાઈલ મળી કુલ રૂ. 3.36 લાખનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર : બરવાળા ઢાળ પાસે આવેલ ધંધુકા-ભાવનગર રોડ ઉપરથી બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ પંથકમાં ડ્રગ્સના સેવનનું પ્રમાણ વધ્યું હોય તેમ વધુ એક ડ્રગ્સના જથ્થો બરવાળામાં ઘૂસાડવાનો પર્દાફાશ થયો હતો. જેમાં બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, પ્રમોદસીંગ નાથુસીંગ ઇન્દા (રહે. દિવાદી ગામ, તા.રોહિત જિલ્લો. પાલી રાજસ્થાન) એમડી ડ્રગ્સનો જથ્થો વેચાણ અર્થે આપવા માટે બરવાળા ખાતે બરવાળા ઢાળ પાસે આવેલ ધંધુકા-ભાવનગર રોડ ઉપર પેસેન્જર વાહનો ઉભા રહે છે. તે જગ્યાએ આવનાર છે. તેને શરીરે ગ્રીન કલરનો પટ્ટાવાળો શર્ટ અને વાદળી કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. જે બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી સામે ઊભેલા પ્રમોદસીંગ નાથુસીંગ ઇન્દા (રહે.દિવાંદી ગામ, તા.રોહિત જી.પાલી રાજસ્થાન) ની અટકાયત કરી તલાશી લેતા મેફેડ્રોન ડ્રગ્સ વજન ૯૩ ગ્રામ, ૯૭ મિલીગ્રામ રૂ.૨.૯૩,૯૧૦નું મળી આવતા પોલીસે પ્રમોદસીંગ નાથુસીંગ ઇન્દાને ડ્રગ્સ, રોકડ રકમ, મોબાઈલ મળી કુલ રૂ.૩.૩૬,૨૧૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેના વિરુદ્ધ ધી એન.ડી.પી.એસ. એકટ કલમ.૮(સી),૨૧(સી) મુજબ બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.