Senior National Men's Kabaddi Championship : 72મી સિનિયર નેશનલ મેન્સ કબડ્ડી ચેમ્પિયનશિપની ધમાકેદાર શરૂઆત સમા ઇન્ડોર કોમ્પ્લેક્સ ખાતે મંગળવારે થઈ છે. પ્રથમ જ દિવસે અનુભવી ખેલાડીઓ સાથે ઉભરતી પ્રતિભાઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ચેમ્પિયનશિપમાં ટીમોને આઠ પૂલ (A થી H)માં વહેંચવામાં આવી છે અને પહેલા દિવસે આઠ મુકાબલા રમાયા હતા.
પૂલ A માં ચંદીગઢ કબડ્ડી ટીમએ ઝારખંડ સામે 76-32થી 44 પોઈન્ટની ભવ્ય જીત મેળવી હતી. શરૂઆતથી જ પ્રભુત્વ જમાવતાં ચંદીગઢે રેડિંગ અને ડિફેન્સ બંને વિભાગમાં સંતુલિત રમત બતાવી હતી.
ગયા વર્ષની રનર્સ-અપ ભારતીય રેલવે કબડ્ડી ટીમએ ફરી એકવાર પોતાની કાબેલિયત સાબિત કરી ઓડિશા સામે 73-23થી 50 પોઈન્ટના વિશાળ અંતરથી જીત મેળવી હતી. રેલવેની ટીમે પ્રથમ હાફથી જ લીડ બનાવી રાખી અને અંત સુધી દબદબો જાળવી રાખ્યો હતો.
પૂલ Cમાં પંજાબ અને ગુજરાત કબડ્ડી ટીમ વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો. અંતિમ ક્ષણ સુધી શ્વાસ અટકાવી દે તેવી મેચમાં ગુજરાતે 46-44થી બે પોઈન્ટના અંતરે જીત મેળવી છે.
ગુજરાતના મિતેશ પ્રજાપતિએ 21 પોઈન્ટ મેળવી ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
પૂલ Dમાં તમિલનાડુ કબડ્ડી ટીમએ દિવસનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. મણિપુરને 75-16થી 59 પોઈન્ટના અંતરે હરાવી એકતરફી જીત નોંધાવી છે. આ જ પૂલની બીજી મેચમાં ઉત્તર પ્રદેશે વિદર્ભને ચાર પોઈન્ટથી હરાવી કઠિન સંઘર્ષ પછી જીત મેળવી હતી. વિદર્ભના આદેશ વારખાડેએ 28 પોઈન્ટ મેળવ્યા છતાં ટીમને હારનો સામનો કરવો પડ્યો
પૂલ E માં હરિયાણાએ આંધ્રપ્રદેશને 49-32થી હરાવ્યું છે. E ની બીજી મેચમાં જમ્મુ-કાશ્મીરે તેલંગાણાને 43-34થી હરાવ્યું છે. જ્યારે F માં બિહારે કેરળ સામે ત્રણ પોઈન્ટથી થ્રિલિંગ જીત મેળવી હતી.


