માથાભારે રેલવે કર્મચારી અને બૂટલેગર રુબીન શેખ ઝડપાયો

વડોદરા, તા.15 વડોદરા રેલવે વિસ્તારમાં મેમુ શેડ ખાતે પાણીની એક ટાંકી નજીક સંતાડી રાખેલો બીયરનો મોટો જથ્થો રેલવે પોલીસે ઝડપી પાડી રેલવેનો કારોબાર કરતા માથાભારે રેલવે કર્મચારી રુબીન ઉર્ફે કટ્ટે શેખને ઝડપી પાડવામાં આવ્યો હતો.
મેમુ શેડમાં રેલવેની ટાંકી પાસે દારૃનો મોટો જથ્થો છૂપાવ્યો છે તેવી માહિતીના આધારે તા.૩ની સાંજે રેલવે પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને તપાસ હાથ ધરતા રૃા.૫.૦૬ લાખ કિંમતના ૨૩૦૪ નંગ બીયરના ટીન મળ્યા હતાં. આ જથ્થો રેલવેના પોઇન્ટ્સમેન રુબિન ઉર્ફે યુસુફમીયા શેખ (રહે.સરદારનગર, રેલવે કોલોની)એ છૂપાવ્યો હોવાનું જાણવા મળતા પોલીસે તેની વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો.
દરમિયાન છેલ્લા એક સપ્તાહ ઉપરાંતના સમયથી શોધતી પોલીસને રુબીન ઉર્ફે કટ્ટે શેખને રેલવે કોલોની પાસેથી ઝડપી પાડયો હતો. આજે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી તેને જેલમાં મોકલી દીધો હતો. ઉલ્લેખનીય છે કે રેલવે મેમુ યાર્ડમાં જ રેલવેની એક ઓરડીમાં રૃા.૩૮ લાખનો દારૃ રુબીને છૂપાવ્યો હતો તે ગુનામાં હજી તે ફરાર છે.








