ધંધુકાના રોજકા ગામે હડકાયા કુતરાનો આતંક : 10 દી'માં 24 ને બચકા ભર્યાં

- આખલો તરફડી તરફડી મોતને ભેટયો
- માસુમ બાળકીનો ગાલ ફાડી નાખતા લોકોમાં ભયનો માહોલ, તંત્ર સામે વ્યાપક રોષ
રોજકા ગામે હડકાયા કુતરાએ આંતક મચાવ્યો છે. આ દરમિયાન એક આખલો પણ હડકાયો થતાં તરફડી તરફડીને મોતને ભેટયો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ ગામના અનેક લોકોને એકસાથે કૂતરું કરડતા ભાવનગરની હોસ્પિટલમાં ઈન્જેકશન લઈ આવ્યા હતા, પરંતુ હાલ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આ ઉપરાંત એક અત્યંત કરુણ ઘટનામાં ચાર વર્ષની માસુમ બાળકી પર પણ હડકાયેલા કુતરાએ હુમલો કર્યો હતો. બાળકી ઘરે બેઠી હતી ત્યારે અચાનક કુતરાએ તેના ચહેરા પર મોઢું ભરી ગાલ ફાડી નાંખ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ બનેલી બાળકી મોદન આફરીન ફિરોઝભાઈ અબ્દુલભાઈને તાત્કાલિક સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જયાં તેની રૂા બે લાખના ખર્ચે પ્લાસ્ટિક સર્જરીની તજવીજ હાથ ધરાઈ છે. તંત્રવાહકો દ્વારા ગામમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સ્થાયી ઉકેલ લાવવામાં આવે તેમજ તાત્કાલિક ધોરણે રખડતા અને હડકાયા કુતરાંઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જાગૃત નાગરીકોએ માંગ ઉઠાવી છે.
રખડતા કુતરા અને ઢોરના નિર્ણયના અમલીકરણમાં વિલંબ
આ ગંભીર મામલે રોજકા ગામના લોકોએ ભારે રોષ વ્યક્ત કરી વધુમાં જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા રખડતા કુતરાંઓ અને રખડતા ઢોર બાબતે જે કોઈ નિર્ણય લેવામાં આવે છે, પરંતુ તેનું યોગ્ય અમલીકરણ થતું નથી તેના પરિણામે ગામડાઓમાં આવી ગંભીર અને જીવલેણ ઘટનાઓ બની રહી છે.









