Gujarat

જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમની સમયસૂચકતા વધુ એક માનવ જિંદગીને બચાવી ગઈ

By GS Team
26 Feb 20222 mins read
This article was originally published on 26 Feb 2022
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમની સમયસૂચકતા વધુ એક માનવ જિંદગીને બચાવી ગઈ

- જામનગરના રણમલ તળાવમાં ઝંપલાવનાર યુવાનને ગણતરીની મિનિટોમાંજ બહાર કાઢી લેતાં યુવાનનો જીવ બચ્યો

- આપઘાતનો પ્રયાસ કરનાર માનસિક અસ્થિર એવા યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો

જામનગર તા. 26

જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડીની સમય સૂચકતા આજે ફરી એક માનવ જિંદગીને બચાવી ગઈ છે, અને સમયસર તળાવમાં પહોંચી જઈ ક્ષણભરની રાહ જોયા વગર તળાવમાં ઝંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાનને પાણીમાંથી બહાર કાઢી બચાવી લીધો છે, અને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડ્યો છે. જે મામલે સીટી એ ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58માં રહેતો જગદીશભાઈ વેરશીભાઈ ભાનુશાળી નામનો 45 વર્ષનો યુવાન કે જે છેલ્લા કેટલાક સમયથી માનસિક સમતુલા ગુમાવી બેઠો છે, જે આજે વહેલી સવારે પોતાના ઘેરથી નીકળી ગયા પછી સવારે આઠેક વાગ્યાના અરસામાં રણમલ તળાવના પાછળના ભાગમાં એકાએક પડતું મૂકી દીધું હતું.

આ સમયે ત્યાંથી પસાર થઇ રહેલા એક યુવાને તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરતાં ફાયર શાખાની ટુકડી તૈનાત હતી, અને ફાયર ના ઇન્ચાર્જ ઉમેદ ગામેતી સહિતની ટુકડી તાત્કાલિક અસરથી સમય બગાડ્યા વિના ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

જેઓએ પાણીમાં ઝંપલાવી દઇ ભાનુશાળી યુવાનને જીવિત બહાર કાઢી લીધો હતો.

વધુ એક વખત ફાયર શાખાની ટુકડી ની સમયસૂચકતાથી એક માનવ જિંદગી બચી ગઇ હતી. જો એકાદ મિનિટ પણ મોડું થયું હોત તો યુવાનને જીવિત બહાર કાઢવું મુશ્કેલ બન્યું હોત.

જેને તાત્કાલિક અસરથી 108 નંબરનI ટીમ મારફતે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડી દીધો હતો. જગદીશભાઈ ભાનુશાલીના પરિવારજનો પણ તેને શોધતા-શોધતા પાછળ આવી ગયા હતા અને જીજી હોસ્પિટલ પહોંચી ગયા છે જેને હાલ સારવાર ચાલી રહી છે તેઓએ ફાયરની ટીમનો આભાર માન્યો હતો.

આ સમગ્ર મામલાની જાણ થવાથી સીટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, તેમજ જી.જી.હોસ્પિટલે પણ પહોંચી જઇ આ બનાવની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.