- તંત્રની બેદરકારીના કારણે હાલાકી
- ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી ત્વરિત પગલાં લઇને સફાઈ કરાવે તેવી માંગ
નડિયાદ : ખેડા જિલ્લાના મહુધા તાલુકાના પોરડા ગામમાં સરકારી તંત્રની બેદરકારી સામે આવી છે. ગામમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સાર્વજનિક શૌચાલય આજે જાળવણીના અભાવે શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. ગંદકી અને ઝાડી-ઝાંખરાના સામ્રાજ્યના કારણે લોકો શૌચાલયમાં જઇ શકતા નથી. ત્યારે જાહેર શૌચાલયની સાફ-સફાઈ કરવા ગ્રામજનોમાંથી માગણી ઊઠવા પામી છે.
સરકાર દ્વારા નિર્મળ ગામ સ્વચ્છ ગામની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. તેમજ નિર્મળ ગામનું સપનું સાકાર કરવા સ્વચ્છતા અભિયાન હેઠળ લાખો રૂપિયાના ખર્ચે જાહેર શૌચાલય બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે મહુધા તાલુકાના પોરડા ગામમાં ગ્રામજનોની સુવિધા માટે બનાવવામાં આવેલા જાહેર શૌચાલય લાંબા સમયથી બંધ હાલતમાં છે. ગામમાં બનાવેલા જાહેર શૌચાલય ગંદકીથી ખદબદી રહ્યાં છે. જેથી અંદર જઈ ન શકાય તેવી ભારી ભારે દુર્ગંધ મારી રહી છે. આ ઉપરાંત યોગ્ય સાફ-સફાઈ અને જાળવણી ન થવાને કારણે આ પરિસરમાં કમર સુધી ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. શૌચાલયોમાં ગંદકી એટલી હદે વધી ગઈ છે કે, ત્યાં પગ મૂકવો પણ મુશ્કેલ બન્યો છે. સફાઈના અભાવે શૌચાલયની અંદર અને બહાર કાંટાળી વનસ્પતિઓ ઉગી નીકળી છે, જેનાથી જીવજંતુઓનો ઉપદ્રવ વધી રહ્યો છે. આમ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ જાહેર સૌચાલય હાલ ધૂળ ખાઈ રહી છે. શૌચાલયોનો ઉપયોગ ન થઈ શકવાને કારણે ગ્રામજનોને ખાસ કરીને મહિલાઓ ખુલ્લામાં શૌૈચક્રિયા કરવા જવા મજબૂર બની છે. ગામના નાગરિકોનું કહેવું છે કે, એક તરફ સરકાર 'સ્વચ્છ ભારત'ની વાતો કરે છે, ત્યારે બીજી તરફ પોરડા ગામમાં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડી રહ્યા છે. ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી ત્વરિત પગલાં લઇ શૌચાલયોની સફાઈ કરાવી તેને કાર્યરત કરે તેવી માગણી ઉઠવા પામી છે.


