Gujarat

જામનગર જિલ્લાને આખરે ગ્રીન ઝોનમાં સમાવી લેતા જનજીવન ધબકતું થયું

By GS Team
4 May 20202 mins read
This article was originally published on 4 May 2020
જામનગર જિલ્લાને આખરે ગ્રીન ઝોનમાં સમાવી લેતા જનજીવન ધબકતું થયું

જામનગર, તા.4 મે 2020, સોમવાર

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 21 દિવસના સમયગાળા દરમિયાન એક પણ પોઝિટિવ કેસ આવ્યો ન હોવાથી આખરે વહીવટી તંત્ર દ્વારા જિલ્લાને ગ્રીન ઝોનમાં સમાવી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર દ્વારા આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યા પછી આજે સવારથી લોક ડાઉન- ૩ના સમયગાળા દરમિયાન જનજીવન ધબકતું થયું છે.

જામનગર શહેરના આવશ્યક ચીજવસ્તુઓના વેપારીઓને સવારે 7:00 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી અને અન્ય વેપારીઓ કે જેઓએ પોતાના વેપાર-ધંધા સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા ખુલ્લી રાખો માટેની ગાઈડલાઈન જારી કરાયા પછી મોટા ભાગના વેપારીઓએ આજે પોતાના વેપાર-ધંધા શરૂ કર્યા છે. જેના કારણે વેપારીઓમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે.


શહેરના મોટાભાગના વિસ્તારો આજે ખુલી ગયા છે. આ ઉપરાંત લોક ડાઉન-1 અને 2ના સમયગાળા દરમિયાન મોટાભાગના લોકો ઘર કેદ હતા તે લોકો પણ આજે બહાર નીકળેલા જોવા મળ્યા છે. અને વાહનોની સંખ્યા પણ વધુ જોવા મળી રહી છે.

રીક્ષા સહિતના વાહનો પણ જામનગર શહેર અને જિલ્લામાં ફરતા થઈ ગયા છે. પોલીસ તંત્ર દ્વારા તમામ જગ્યાએ ચેકિંગની પ્રક્રીયા અવીરત ચાલુ રાખવામાં આવી છે. જોકે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને માસ્ક પહેરીને નીકળવા સહિતના નિયમોનું પાલન કરી રહેલા વાહનચાલકોને અટકાવ્યા ન હતા. પરંતુ કેટલાક વિસ્તારોમાં લોકો ભીડના સ્વરૂપે જોવા મળ્યા હતા.


જામનગરના લોકોને ઘણા સમયથી કેટલીક ચીજવસ્તુઓ મળી ન હતી જે ચીજવસ્તુઓ લેવા માટે પણ આજે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. લોક ડાઉનના લાંબા સમયગાળા પછી આજે જનજીવન ધબકતું થયુ હતુ.