Gujarat

મધ્ય ગુજરાતને ગ્રોથ હબ તરીકે વિકસાવાશે, જાણો બજેટની બીજી જોગવાઈઓ

By GS TEAM
18 Feb 20261 min read
મધ્ય ગુજરાતને ગ્રોથ હબ તરીકે વિકસાવાશે, જાણો બજેટની બીજી જોગવાઈઓ

વડોદરાઃ ગુજરાતની વિધાનસભામાં આજે નાણા મંત્રીએ  ગુજરાત સરકારનું વર્ષ ૨૦૨૬-૨૭નું  ૪.૦૮ લાખ કરોડ રુપિયાનું બજેટ રજૂ કર્યું હતું.બજેટમાં  વડોદરા અને મધ્ય ગુજરાત માટે પણ વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. 

જે  પ્રમાણે દાહોદ ખાતે નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવામાં આવશે.તેની સાથે સાથે વડોદરા સહિતના પાંચ એરપોર્ટના વિસ્તરણ માટે ૯૫ કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.વડોદરા ખાતે સરકારી મેડિકલ કોલેજનું ૪૧ કરોડ રુપિયાના ખર્ચે હોસ્ટેલ બિલ્ડિંગ બનાવવાની જોગવાઈ પણ બજેટમાં છે.

સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમને વિકસાવવા માટે જે ચાર શહેરોમાં ૮૦ કરોડના ખર્ચે આઈ હબ સેન્ટરો સ્થાપવામાં આવશે તેમાં વડોદરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

બજેટમાં રાજ્યના ૬ પ્રદેશોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનું એલાન કરાયું છે.આ માટે સરકારે ૬૬૦૦ કરોડની જોગવાઈ કરી છે.આ પ્રદેશો માટે ઈકોનોમિક માસ્ટર પ્લાન બનાવાશે.તેમાં મધ્ય ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.ઉપરાંત રાજ્યની ૨૫ જીઆઈડીસીને સ્માર્ટ જીઆઈડીસી તરીકે વિકસાવાશે.૧૨૦ નાની જીઆઈડીસીઓને માળખાકીય સુવિધાઓ વિકસાવીને અપગ્રેડ કરવામાં આવશે.જેનો લાભ વડોદરા સહિતની મધ્ય ગુજરાતની જીઆઈડીસીઓને પણ મળશે.

બજેટમાં મઘ્ય ગુરાત માટે થયેલી બીજી જોગવાઈઓ 

--જંબુસર, સયાલામાં ડીપ સી પ્રોજેકટ માટે ૮૦૬ કરોડ

--છોટાઉદેપુરના કડીપાણી માઈનિંગ પ્રોજેકટ સુવિધા માટે ૮૦૦ કરોડ

--છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ૧૮ તાલુકાઓની ૫૧૪૮૦ હેકટર જમીન માટે સિંચાઈ પ્રોજેકટ

--ભરુચ- ભાડભૂત બેરેજ યોજના ચાલી રહી છે,તેના માટે ૧૭૦૦ કરોડ

--કડાણા ડેમ ખાતે સોલાર ફ્લોટિંગ પ્રોજેકટ માટે ૧૫૦ કરોડ 

--સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુવિધાઓ ઉભી કરવા ૨૩૬ કરોડ