- નડિયાદમાં કાંસની કામગીરીમાં વિલંબ મામલે
- કામગીરી ત્વરિત પૂર્ણ કરી રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો આંદોલનને વધુ તેજ બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી
નડિયાદ : નડિયાદ શહેરના હાર્દ સમાન સરદાર સ્ટેચ્યુ વિસ્તારમાં કાંસની સફાઈ અને વિકાસના કામોના બહાને દુકાનો તોડી પાડયા બાદ છેલ્લા ૧.૫ મહિનાથી કામગીરી ખોરંભે પડતા શહેર કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરી વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ સ્થળ પર મારેલા પતરાંઓ પર શાસક પક્ષ વિરોધી પોસ્ટરો લગાડી સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રજાના ટેક્સના પૈસાનો દૂરુપયોગ અટકાવી કામગીરી તાકીદે પૂર્ણ કરવા માંગ કરી હતી.
નડિયાદ શહેરમાં સત્તાધારી પક્ષ દ્વારા વિકાસના કામોના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટના આંકડાઓની માયાજાળ રચીને પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ સમિતિએ આક્રમક તેવર બતાવ્યા છે. શહેરના મુખ્ય માર્ગ એવા સરદાર સ્ટેચ્યુ પાસે કાંસની સફાઈ માટે વેપારીઓની દુકાનો તોડી પાડયા બાદ લાંબા સમયથી કામગીરી ઠપ્પ હોવાથી કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ સ્થળ પર જઈને ઉગ્ર દેખાવો કર્યો હતા. આ દરમિયાન રસ્તાની આસપાસ જે પતરાંઓ મારવામાં આવ્યા છે તેના પર સરકાર અને મહાનગરપાલિકાના શાસકો વિરોધી લખાણો ધરાવતા પોસ્ટરો ચોંટાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસે આક્ષેપ કર્યોે છે કે, સત્તાધીશો માત્ર કાગળ પર વિકાસના કામો બતાવીને પોતાની વાહવાહી લૂંટવામાં વ્યસ્ત છે, જ્યારે વાસ્તવિકતામાં જમીન સ્તરે કોઈ પણ કામગીરી પ્રગતિમાં જોવા મળતી નથી. આ વિરોધ કાર્યક્રમમાં જણાવાયું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી મુખ્ય માર્ગ બ્લોક કરી દેવાને કારણે શહેરીજનોએ ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓના ધંધા-રોજગારને પણ આ વિલંબિત કામગીરીને કારણે મોટું નુકસાન પહોંચ્યું છે. છેલ્લા ૫ વર્ષના શાસનમાં નડિયાદ શહેરની હાલત દયનીય બની છે અને શહેર ખાડા નગરીમાં ફેરવાઈ ગયું છે. તમામ વોર્ડમાં સમાન વિકાસ થઈ રહ્યો હોવાનો શાસકોનો દાવો પોકળ સાબિત થયો છે અને પ્રજા છેતરાઈ હોવાનો અહેસાસ કરી રહી છે. વધુમાં મહાનગરપાલિકાના વહીવટી તંત્ર સામે આકરા પ્રહારો કરતા જણાવાયું હતું કે, તંત્રની બેદરકારીને કારણે થોડા દિવસો પૂર્વે બનેલી ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું, છતાં હજુ સુધી વહીવટી તંત્ર જાગ્યું નથી અને મૃતકના પરિવારને કોઈ આથક સહાય પૂરી પાડવામાં આવી નથી. ઉચ્ચ અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી રહે છે અને શહેરની જનતા હાલાકી ભોગવી રહી છે. કોંગ્રેસે ચીમકી આપી છે કે, જો આગામી દિવસોમાં આ કામગીરી ત્વરિત પૂર્ણ કરવામાં નહીં આવે અને રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો સમગ્ર શહેરમાં આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે.


