Get The App

ચોટીલાની સીટી પેલેસ અને બાલાજી હોટલમાંથી દેહવ્યપારનો પર્દાફાશ

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
ચોટીલાની સીટી પેલેસ અને બાલાજી હોટલમાંથી દેહવ્યપારનો પર્દાફાશ 1 - image

- નાયબ કલેક્ટરે ડમી ગ્રાહકો મોકલી રેડ કરી

- વ્યક્તિ દીઠ રૂ. 1 હજાર વસૂલાતા હતાઃ હોટલના માલિકોને અનૈતિક પ્રવૃત્તિ બંધ કરવા તેમજ સીલ મારવા નોટિસ

સુરેન્દ્રનગર : ચોટીલાની સીટી પેલેસ અને બાલાજી હોટલમાં નાયબ કલેક્ટરે ડમી ગ્રાહકો મોકલી દેહવ્યપારનો પર્દાફાશ કર્યો છે. હોટલમાં વ્યક્તિ દીઠ રૂ.૧ હજાર વસૂલાતા હતા. તંત્રની ટીમે હોટલના માલિકોને અનૈતિક પ્રવૃત્તિ બંધ કરવા તેમજ સીલ મારવા નોટિસ ફટકારી છે.

યાત્રાદામ ચોટીલા નેશનલ હાઈવે પર આવેલ અમુક હોટલોમાં દેહ વ્યાપારની ગેરકાયદેસર અસામાજીક પ્રવૃતિઓ થતી હોવાની ફરિયાદો મળતા ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા દ્વારા ટીમ સાથે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હાઈવે પર આવેલ અલગ અલગ હોટલોમાં ટીમ તેમજ ગ્રાહકોને મોકલી તપાસ કરતા ચોટીલા પાસે આવેલ સીટી પેલેસ હોટલ અને બાલાજી હોટલમાં દેહ વ્યાપારની અનૈતિક પ્રવૃતિ ચાલતી હોવાનું માલુમ પડયું હતું.

ચેકિંગ દરમિયાન એક વ્યક્તિ દીઠ રૂ.૧૦૦૦ વસૂલવામાં આવતા હોવાનું પણ ખુલ્યું હતું. આથી સીટી પેલેસ હોટલોના માલિક દેવાભાઇ ભીખાભાઇ આલ અને બાલાજી હોટલના માલિક ગભરુભાઇ ભોજભાઇ કાઠી દરબાર (બંને રહે. ચોટીલા) સામે કાર્યવાહી હાથ ધરી છે. તેમજ બંને હોટલ માલિકોને હોટલમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃતિ બંધ કરવા અને હોટલોને સીલ મારવા અંગેની કાર્યવાહી કરવા અંગેની કારણદર્શક નોટિસ ફટકારી છે. જ્યારે ચોટીલા ડેપ્યુટી કલેકટર દ્વારા હાઈવે પર આવેલ હોટલોમાં અનૈતિક પ્રવૃતિઓ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવતા અન્ય હોટલ માલિકોમાં ફડફડાટ ફેલાઈ જવા પામ્યો છે.